(એજન્સી) નવી દિલ્હી, તા.૬
શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચીનના નેતાઓને મળ્યા હતા. જેમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. મુલાકાતમાં શું ચર્ચા થઈ તેની વિગતો જાહેર કરાઈ નથી. બેઠકમાં કોંગ્રેસ નેતા આનંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચીનના નેતાઓ સાથેની આ મુલાકાત વિવાદોના સમયે સવાલોના ઘેરામાં છે. એક તરફ અમેરિકા પાકિસ્તાનને ઝટકા ઉપર ઝટકા આપે છે તો બીજી તરફ ચીન ખુલ્લેઆમ પાકિસ્તાન સાથે છે. આ મુલાકાત રાહુલ ગાંધીના ઘરે યોજાઈ. આ મુલાકાતની તસવીર ખુદ રાહુલ ગાંધીએ ટ્‌વીટર પર રજૂ કરી. તસવીરમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સેન્ટ્રલ કમિટીના સભ્ય મેન્ગ ઝીબાન્ગ ફેંગ અને રાહુલ ગાંધી એકી સાથે જોવા મળે છે. ચીની પ્રતિનિધિમંડળની મુલાકાત સમયે કોંગ્રેસ નેતા આનંદ શર્મા અને મુકુલ વાસનીક જોવા મળે છે. બે દિવસ પહેલાં જ ચીની પ્રવક્તા શુબાંગે કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ સામે લડવા ઘણો પ્રયાસ કરી કુરબાની આપી છે. તેની ભૂમિકા શાનદાર રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયોને તેની જાણકારી હોવી જોઈએ. જે પાકિસ્તાનને અમેરિકા આતંકી ફેકટરી માને છે, ભારત આતંકવાદીઓનો અડ્ડો માને છે તે પાકિસ્તાનને બચાવવા ચીન અમેરિકા સામે ઝઝૂમવા તૈયાર છે. ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માનતું નથી. ચીનમાં ૬૮ વર્ષથી કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ પાર્ટીના સુપ્રીમ નેતા છે. સેન્ટ્રલ કમિટીમાં ર૦૦ સભ્યો હોય છે. જે ચીનના દશા અને દિશા તપ કરે છે. જેમાં મેન્ગ ઝીબાન્ગ ફેંગ પણ સામેલ છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન શું ચર્ચા થઈ તે અંગે કોંગ્રેસ ચૂપ છે.