(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે શનિવારે જામા મસ્જિદના ઇમામ બુખારી સાથે મુલાકાત કરી હતી. વિજય ગોયલે ઇમામ બુખારી સાથે મુલાકાત કરી ભાજપના ચાર વર્ષમાં કરાયેલા કામો અંગે જાણકારી આપી હતી. મુલાકાત બાદ ઇમામ બુખારીએ મીડિયા સાથે વાત કરતા ભાજપ પર જ નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અમને મળવા તો આવે છે પરંતુ મુસ્લિમ સમુદાયને જ નિશાન બનાવાય છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં મુસ્લિમ સમુદાયનું શોષણ થયું છે અને સતત તેને નિશાન બનાવાય છે. જો બાકીના એક વર્ષમાં સરકાર કાંઇ કરે તો તેનુ સ્વાગત છે.
બુખારીએ કહ્યું કે, અમને સરકાર સામે ઢગલાબંધ ફરિયાદો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શુક્રવારે ઇસાઇ ધર્મગુરૂ બીશપ વારીસ મસીહ સાથે મુલાકાત કરી હતી. નકવીએ શનિવારે શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રમાં કામ કરનારા મુસ્લિમ સમાજના કેટલાક ટોચના લોકો સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, સામાજિક સૌહાર્દ અને સહિષ્ણુતા ભારતના ડીએનએમાં છે. ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ સિરાજુદ્દીન કુરૈશી અને મુસ્લિમ સમાજના કેટલાક અન્ય ટોચના લોકો સાથે મુલાકાત બાદ નકવીએ કહ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાછલા ચાર વર્ષમાં સમાવેશી-સર્વસ્પર્શી વિકાસ માટે કરાયેલા કામોની વિગતો આપી છે. નોંધનીય છે કે, ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હારના ડરે સંપર્ક ફોર સમર્થન અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહે તેની મુંબઇથી શરૂાત કરી હતી. અમિત શાહ રતન ટાટા, રામદેવ, કપિલ દેવ, બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિત અને બાદમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે માર્ગ પરિવહન મંત્રી ગડકરી સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને મળ્યા હતા.