(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને એનઆરસી સામે વિરોધ કરવા અને ભીમ આર્મીના વડા ચંદ્ર શેખર આઝાદને છોડવાની માગણી કરવા માટે જૂની દિલ્હીમાં જામા મસ્જિદ બહાર સેંકડો લોકો ભેગા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ જઇ રહેલી વિરોધ કૂચને દિલ્હી પોલીસ દ્વારા જોર બાગ ખાતે અટકાવવામાં આવી હતી. જોરબાગમાં સીએએ સામે દેખાવ કરી રહેલા લોકોએ લોક કલ્યાણ માર્ગ તરફ વધવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેમને માર્ગમાં જ અટકાવી દીધા હતા. વડાપ્રધાનના નિવાસ તરફ જનારી વિરોધ કૂચમાં ભાગ લેનારાઓએ તેમના બંને હાથ બાંધી લીધા હતા. દેખાવકારોએ પોતાના બંને હાથ બાંધવા વિશે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગ ચાંપવા માટે અમને જવાબદાર ન ઠરાવી શકાય તેના માટે અમે પોતાના બંને હાથ બાંધી લીધા છે. દિલ્હીના સીલમપુર, વેલકમ, જામા મસ્જિદ અને મુસ્તફાબાદ સહિત ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને સતત શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. સીલમપુર, જાફરાબાદ અને ઉત્તર પ્રદેશ ભવન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સંખ્યામાં એકત્રિત થવા સામે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દિલ્હીની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનને કારણે લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ થોડાક કલાકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તરપૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પોલીસે ફ્લેગમાર્ચ પણ કરી હતી. દેખાવકારો પર નજર રાખવા માટે જાસૂસી ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો.
દિલ્હીમાં જોર બાગ ખાતે દેખાવકારોએ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદને છોડવાની માગણી કરી હતી અને સીએએ સામે વિરોધ કર્યો હતો. દેખાવકારોએ સીએએ અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચારો કર્યા હતા. ‘સેવ ધ કોન્સ્ટિટ્યુશન (બંધારણ બચાવો)’, ‘વિડ્રો સીએએ (સીએએ પાછો ખેંચો)’ અને ‘વી કન્ડેમે કોમ્યુનલ લો (કોમવાદી કાયદાને અમે વખોડીએ છીએ)’ના પ્લેકાડ્‌ર્સ સાથે દેખાવકારોને જોઇ શકાય છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે ભારે સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ગોઠવણી પહેલાથી જ કરી દેવામાં આવી હતી.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની મુક્તિ માટે દિલ્હીના જોરબાગમાં ભીમ આર્મીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આઝાદની ધરપકડ કરીને તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.