(એજન્સી) તા.૫
દર વર્ષે પવિત્ર રમઝાન માસ દરમિયાન એશિયાની સૌથી મોટી મસ્જિદ દિલ્હીની જામા મસ્જિદ જુદા જુદા ધર્મો અને સંસ્કૃતિના લોકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કે જેઓ અત્રે ઇફ્તાર માટે એકત્ર થાય છે અને ધર્મ, સંસ્કૃતિ તેમજ રાજકીય સરહદોથી આગળ વધીને પ્રેમ અને એખલાસની અવિસ્મરણીય અનુભૂતિ સાથે છૂટા પડે છે. કદાચ એ વાતની બહુ ઓછા લોકોને ખબર હશે કે જૂની દિલ્હીના કેટલાક મુસ્લિમ પરિવારો પેઢીઓથી ખુલ્લી સંયુક્ત ઇફ્તારનું આયોજન કરે છે જેમાં દેશ અને વિદેશના લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે હાજરી આપે છે. જામા મસ્જિદના પટાંગણમાં ફળો, ખજૂર, જલેબી, બ્રેડ અને સમોસા મહેમાનોને પીરસનાર નસરુદ્દીને જણાવ્યું હતું કે ઇફ્તાર કાર્યક્રમ મારા નાની દ્વારા શરુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી અમે તેનું આયોજન કરી રહ્યા છીએ. અમે તમામ ધર્મોના લોકો માટે રમઝાનના સમગ્ર મહિના દરમિયાન દરરોજ ઇફ્તારનું આયોજન કરીએ છીએ. આ દિવસે નસરુદ્દીનની ઇફ્તારમાં મહેમાન તરીકે આવેલ યુવાન એન્જિનિયર રોહિત શર્માએ પણ પોતાના વિચારો શેર કર્યા હતા. રોહિતે જણાવ્યું હતું કે મારા સર્વશ્રેષ્ઠ મિત્ર મોહંમદ સહજાદા સાથે જામા મસ્જિદની ઇફ્તારમાં આ મારી બીજી મુલાકાત છે. અહીં વાતાવરણ આધ્યાત્મિકતાથી સભર છે. લોકો વર્ગ અને ધર્મના મતભેદો ભૂલીને કઇ રીતે અહીં આવે છે તે જોવું એ પણ એક લહાવો છે. કેનેડાના ફૂડ બ્લોગર ટ્રેવર જેમ્સ પણ પોતાના મિત્ર અનુભવ સપ્રા સાથે જામા મસ્જિદ આવ્યા છે. રમઝાન દરમિયાન ભારતની મુલાકાત લેવા બદલ ટ્રેવર જેમ્સ પોતાને નસીબશાળી માને છે. તેમણે જણાવ્યું હતું કે રમઝાન દરમિયાન અહીં મુલાકાત લેવાનો મારો અનુભવ અદ્‌ભૂત છે. ભારતની મુલાકાત લેવા માટે આ ખૂબ જ સારો સમય છે કારણ કે અત્યારે સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે. જેમ્સ એ ફૂડ લવર અને યૂટ્યૂબર છે કે જેઓ જુદા જુદા દેશોની મુલાકાત લે છે એન પોતાનો વીડિયો તૈયાર કરે છે.