(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
દિલ્હીના સીલમપૂરમાં મંગળવારે નાગરિકતાકાયદા વિરૂદ્ધ દેખાવો દરમિયાન અથડામણો ફાટી નીકળતા બે સ્કૂલ બસને નુકસાન કરાયું હતું જ્યારે પોલીસની ગાડીને આગને હવાલે કરી દેવાઇ હતી. બસો પર પથ્થરમારો કરતા અને વાહનોને આંગ ચાંપતા ૨,૦૦૦થી વધુ લોકોનાં ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ તથા ટીયરગેસના શેલનો મારો ચલાવ્યો હતો. અહેવાલો અનુસાર બે પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે. નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદા વિરોધી શાંતિપૂર્ણ રેલી અચાનક હિંસક બની હતી. દરમિયાન અહીં હિંસામાં એક સ્થાનિક પોલીસ ચોકીને આગને હવાલે કરી દેવાઇ હતી. રેલીમાં સામેલ લોકોએ જણાવ્યું હતું કે, તેમનું પ્રદર્શન જામિયામાં થયેલા પોલીસ બર્બરતા અને નાગરિકતા કાયદાના વિરોધમાં છે. દેખાવકારો બેકાબૂ બન્યા બાદ પોલીસે લાઠીચાર્જ બાદ ટીયરગેસના શેલ છોડ્યા હતા. જોકે ટોળાએ પોલીસનો સામનો કરતા સ્થિતિ વધુ તંગ બની હતી. દરમિયાન દિલ્હીની જામા મસ્જિદમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોડી સાંજે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે હજુ પણ ત્યાં સ્થિતિ શાંત પણ અજંપાભરી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. વીડિયોમાં દેખાયું હતું કે, સીલમપુરમાં મોટી સંખ્યામાં બહાર આવેલા લોકોનો હથિયારધારી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ઉત્તરપૂર્વ દિલ્હીનો આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે. દેખાવકારો અહીં પોલીસ પર પથ્થરમારો કરતા દેખાયા હતા.
૨. અથડામણ બાદ બસોમાં તોડફોડના દૃશ્યો તથા માર્ગો પર મોટી સંખ્યામાં પથ્થરો દેખાતા હતા. માર્ગ પર નાનકડી આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટા સર્જાયા હતા. પોલીસે જણાવ્યું કે, ટ્રાફિકની બે બાઇકને આગ લગાવાઇ હતી.
૩. સિનિયર પોલીસ અધિકારી અનુસાર દેખાવ આશરે ૧૨ વાગે શરૂ થયા હતા. સીલમપુરથી જાફરાબાદ જવાના માર્ગમાં આવતા જાણીતા ક્રોસિંગ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. સૂત્રો અનુસાર તંગદિલી ત્યારે સર્જાઇ જ્યારે ટોળા વહેલા ભેગા થયા અને પોલીસે તેને વિખેરવા માટે કહ્યું હતું.
૪. દેખાવકારો પર બસોને નિશાન બનાવવાનોઆરોપ મુકાયો છે. પોલીસે હિંસાને ડામવા માટે પગલાં ભર્યા હતા પરંતુ તેમની તરફ દેખાવકારો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી વધી ગઇ હતી.
૫. પોલીસ અધિકારી આલોક કુમારે કહ્યું કે, એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. પોલીસ દળો અહીં જ છે. કેટલીક કારોને નુકસાન પહોંચાડાયું છે. અમારી પાસે મોબાઇલ ફૂટેજ છે જેની તપાસ કરવામાં આવશે.
૬. હિંસા વકરવાને પગલે સીલમપુરમાં તંગદિલી યથાવત છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અનુસાર હિંસાને પગલે મેટ્રો સ્ટેશનના છ દરવાજામાં એન્ટ્રી અને અક્ઝિટ બંધ કરી દેવાઇ હતી. આ વિસ્તારમાં ટ્રાફિક પણ બંધ કરી દેવાયો હતો.
૭. રવિવારે હિંસક બનેલા જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના આંદોલન બાદ મંગળવારે દિલ્હીમાં હિંસાની આ બીજી મોટી ઘટના બની છે. યુનિવર્સિટીમાં પોલીસે ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટીયરગેસના શેલ છોડીને દમન ગુજાર્યું હતું. પોલીસે અહીં વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા.
૮. સોમવારે જામિયા મિલિયા યુનિવર્સિટી સાથે સમર્થન દેખાડતા દેશની અનેક કોલેજોમાં ભારે દેખાવો થયા હતા.
૯. મંગળવારે પણ જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસના પગલાં વિરૂદ્ધ દેખાવ થયા હતા.
૧૦. નાગરિકતા કાયદો ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશનારા બિન મુસ્લિમો માટે ભારતની નાગરિકતા પ્રદાન કરે છે.