(એજન્સી) રાયપુર, તા.૨૬
મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે ભારતમાં રહેતા નાઈજીરિયન લોકોને બેઈમાન ગણાવીને વિવાદ પેદા કર્યો છે. હંસરાજ આહિર બુધવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. આહિરે કહ્યું કે દુનિયામાં કોઈપણ નાગરિકોને એક નિશ્ચિત સમયમર્યાદા સુધી અહીં રહેવાનો અધિકાર આપવામાં આવે છે, એવા ઘણા લોકો છે જેમને અમે વિઝા આપીએ છીએ. લાંબાગાળાના વિઝા પણ આપવામાં આવે છે. વર્ષોથી લોકો અહીં રહેતા હોય છે, માન-સન્માનથી રહેતા હોય છે. તેમની પર અત્યાચાર થતો નથી. પરંતુ તેઓ અહીં આવીને જુલમ ગુજારતા હોય છે. આપણે દિલ્હીમાં કેટલાક લોકોને રાખ્યા છે. નાઈજીરિયન લોકો લાંબાગાળાના વિઝા પર ભારત આવતાં હોય છે તેઓ દિલ્હીમાં ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલા છે. તેઓ ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે. આહિરે કાર્યક્રમાં આગળ કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા રાજ્યોને નાગરિકતા પ્રદાન કરવામાં આવ્યા બાદ તેનો લાભ ઉઠાવનાર છત્તીસગઢ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી રમણસિંહ અને હંસરાજ આહિરે સંત ગોવિંદકામ સાહેબની ૭૩મી જયંતિ પર આયોજિત કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર વિતરીત કર્યાં. જે પરિવારોને ભારતીય નાગરિકતા મળી છે તેઓ ઘણા દશકાઓથી અગાઉ પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવ્યાં હતા. કાર્યક્રમમાં આહિરે કહ્યું કે બહારથી અહીં આવીને ઠરીઠામ થયેલા લોકો માટે આ તક દિવાળીની ભેટ જેવી છે. આ લોકોનો દેશ પણ ભારત જ હતો પરંતુ ભાગલા પડતાં તેમને પાકિસ્તાનમાં જવું પડ્યું.