(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ભારતના ઐતિહાસિક સ્મારકોને દત્તક લેવાની યોજના ‘એડોપ્ટ એ હેરીટેજ’ની શરૂઆત થઇ ચુકી છે. જે અંતર્ગત દાલમિયા ભારત ગ્રૂપે ભારતીય ધરોહરના પ્રતીક દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાને પાંચ વર્ષ સુધી દત્તક લીધો છે. આ સોદો ૨૫ કરોડમાં થયો છે. આ સાથે જ આ ઐતિહાસિક સ્મારકને દત્તક લેનાર દાલમિયા ભારતનું પ્રથમ કોર્પોરેટ હાઉસ બની ગયું છે. દાલમિયાએ આ કોન્ટ્રાક્ટ ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રૂપને હરાવીને લીધો છે. દાલમિયા ગ્રૂપ સંભવત ૨૩મી મેથી કામ શરૂ કરવાની પ્રક્રીયામાં લાગી જશે. જોકે, ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીના ભાષણ પહેલા જુલાઇમાં દાલમિયા ગ્રૂપે લાલ કિલ્લાને ફરી સલામતી એજન્સીઓને સોંપવો પડશે. ત્યારબાદ ગ્રૂપ ફરી લાલ કિલ્લાને પોતાના હસ્તક લેશે.
દાલમિયા ભારત ગ્રૂપના સીઇઓ મહેન્દ્ર સિંધીએ કહ્યું હતું કે, લાલકિલ્લામાં ૩૦ દિવસની અંદર કામ શરૂ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, લાલ કિલ્લો અમને શરૂઆતમાં પાંચ વર્ષ સુધી મળ્યો છે. કોન્ટ્રાક્ટને બાદમાં વધારી શકાય છે. દરેક પ્રવાસી અમારા માટે એક ગ્રાહક હશે અને તેને તે માટે જ વિકસિત કરવામાં આવશે. અમારો પ્રયાસ રહેશે કે પ્રવાસી એક વાર નહીં પરંતુ વારંવાર અહીં આવે. યુરોપના કેટલાક કિલ્લાઓ લાલ કિલ્લાની સરખામણીએ ઘણા નાના છે પણ તેમને ઘણી સારી રીતે વિકસિત કરવામાં આવ્યા છે. અમે પણ લાલ કિલ્લાને તે જ રીતે વિકસિત કરવાના પ્રયાસ કરીશું અને તે દુનિયાના સૌથી શાનદાર સ્મારકોમાંથી એક હશે. ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટ અંતર્ગત દાલમિયા ગ્રૂપે નક્કી કરાયેલી સમય મર્યાદા અનુસાર લાલ કિલ્લામાં વિકાસ કાર્ય પુરા કરવા પડશે. કોન્ટ્રાક્ટ અનુસાર ગ્રૂપે છ મહિનાની અંદર લાલ કિલ્લાને પ્રાથમિક સુવિધાઓ આપવી પડશે. એક વર્ષની અંદર તેને ટેક્ષટાઇલ મેપ, ટોઇલેટ અપગ્રેડેશન, માર્ગો પર લાઇટિંગ, બેટરીથી ચાલનારા વ્હીકલ, ચાર્જીંગ સ્ટેશન અને એક કેફેટેરિયા બનાવવો પડશે. આ માટે દાલમિયા ગ્રૂપ પ્રવાસીઓ પાસેથી નાણા વસૂલ કરશે. આમાં પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ સામેલ છે. ગ્રૂપને જેટલા નાણા મળશે તે તેણે ફરી લાલ કિલ્લાના વિકાસ પર જ લગાવવાના રહેશે. આ ઉપરાંત ગ્રૂપ લાલ કિલ્લાની અંદર પોતાની બ્રાન્ડિંગનો ઉપયોગ કરી શકશે. લાલ કિલ્લા બાદ ‘એડોપ્ટ એ હેરિટેજ’ યોજના હેઠળ વહેલી તકે તાજ મહેલને દત્તક લેવાની પ્રક્રીયા પુરી થઇ જશે. તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોટ્‌ર્સ અને આઇટીસીના અંતિમ ચરણમાં છે. વાસ્તવમાં સરકારે ‘એડોપ્ટ એ હેરિટેજ’ યોજના ૨૦૧૭માં લાગુ કરી હતી. દેશભરમાંથી ૧૦૦ ઐતિહાસિક સ્મારકો માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી. આમાં તાજમહેલ, કાંગડા ફોર્ટ, સતી ઘાટ અને કોણાર્ક મંદિર જેવા સ્મારકો મુખ્ય છે. દાલમિયા ભારત-સિમેન્ટ, ધાતુ અને વીજળી નિર્માણની એક મોટી કંપની છે. આ ગ્રૂપ ભારતના સૌથી ઝડપથી વિકાસ પામતી કંપનીઓમાંથી એક છે. ૧૯૩૭માં દાલમિયા ગ્રૂપ અસ્તિત્વમાં આવ્યું હતું અને પોતાના સતત વિકાસને લીધે દેશના એક મોટા ગ્રૂપ તરીકે માનવામાં આવે છે.