(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે. આજે સવારે સીબીઆઈએ દિલ્હીના આમ આદમી પાર્ટી નેતા લોક નિર્માણ મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. તેમના પર એક યોજના માટે સલાહકારની સેવા લેવાની પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ ગુસ્સે થયેલ અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કર્યું કે, વડાપ્રધાન મોદી શું કરવા માગે છે?ત્યાંજ દરોડા બાદ સત્યેન્દ્ર જૈને ટ્‌વીટ કરીને જણાવ્યું કે, લોક નિર્માણ પરિયોજનાઓ માટે ધંધાકીય લોકોની મદદ લીધી હતી. સીબીઆઇએ દરોડા દરમિયાન બધાને બહાર નીકળવા માટે કહ્યું હતું. જ્યારે સીબીઆઇએ પુષ્ટિ કરતા કહ્યું કે, આ મામલે પાંચ જગ્યા દરોડાઓ પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ સત્યેન્દ્ર વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો છે. આમાં આરોપ છે કે, મોહલ્લા ક્લિનિક્સ અને લોકનિર્માણ વિભાગની પરિયોજનાઓમાં ૨૪ લોકોને કોન્ટ્રેક્ટ પર રાખવા માટે ઉપયોગ કરવામાં આવેલ દસ્તાવેજો બરાબર નથી. આની પહેલા સીબીઆઇએ જૈનની પુત્રી સૌમ્યા જૈનને મોહલ્લા ક્લિકનીકમાં એડવાઇઝર રાખવા મામલે તપાસ બંધ કરી હતી.