નવી દિલ્હી,તા. ૪
કેરળમાં આ વખતે મોનસુનની એન્ટ્રી નિર્ધારિત સમય કરતા પહેલા થયા બાદ હવે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ મોનસુનની એન્ટ્રી વહેલી તકે થઇ જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. દિલ્હીમાં મોનસુન સાત દિવસ પહેલા પહોંચી જવાની શક્યતા છે. ૨૨મીજુન સુધી દિલ્હીમાં મોનસુન પહોંચી શકે છે. દિલ્હીમાં હાલમાં પ્રી મોનસુન એક્ટિવીટી જોવા મળી રહી છે. જે સાતમી જુન સુધી વધારે ઝડપી બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે દિલ્હીમાં હાલમાં ધુળ ભરેલી આંધી ચાલી રહી છે. વરસાદી ઝાપટા પણ પડી ચુક્યા છે. ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટના કહેવા મુજબ પૂર્વીય અને ઉત્તરીય ભારતમાં મોનસુન ઝડપથી આગળ વધી રહ્યુ છે. જો કે ઉત્તર પશ્ચિમના મેદાન સુધી પહોંચતા તેની ગતિ ઝડપી ધીમી પડી શકે છે. જો કે ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં મોનસુન સમય કરતા પહેલા પહોંચી શકે છે. ૨૫મી જુન સુધી દેશના મોટા ભાગના વિસ્તારોને મોનસુન કવર કરે તેવી શક્યતા છે. તેમાં પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક હિસ્સા પણ સામેલ છે. સ્કાયમેટના ચીફ મેટ્રોલોજિસ્ટ મહેશ પલાવતે કહ્યુ છે કે મોનસુનની વર્તમાન ચાલના આધાર પર તે ૨૨મી જુન સુધી દિલ્હી અને એનસીઆરના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચી જાય તેવી વકી છે. પૂર્વાનુમાનમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થઇ શકે છે. બીજી બાજુ હવામન વિભાગ હાલમાં મોનસુન દિલ્હીમાં ક્યારે પહોંચશે તે અંગે કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. તે હાલમાં ચિત્રની રાહ જોવા માંગે છે. દિલ્હીમાં મુળભૂત રીતે મોનસુન પહોંચી જવા માટેની તારીખ ૨૯મી જુન હોય છે. તે પહેલા પણ દિલ્હીમાં કેટલીક વખત મોનસુન સમય કરતા પહેલા પહોંચી ચુક્યુ છે. વર્ષ ૨૦૧૫માં મોનસુન ૨૫મી જુનના દિવસે, વર્ષ ૨૦૧૩માં ૧૬મી જુના દિવસે, વર્ષ ૨૦૧૧માં ૨૬મી જુનના દિવસે, ૨૦૦૮માં ૧૫મી જુનના દિવસે , વર્ષ ૨૦૦૧માં ૨૪મી જુના દિવસે તેમજ વર્ષ ૧૯૯૮માં ૧૬મી જુનના દિવસે મોનસુન દિલ્હીમાં પહોંચી ગયુ હતુ. અત્રે નોંધનીય છે કે, દેશના જુદા જુદા ભાગોમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન પ્રચંડ આંધી અને વરસાદના કારણે ૩૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. વારંવાર આંધી અને વરસાદનો દોર જોવા મળ્યો છે. બીજી બાજુ કેરળમાં મોનસુનની એન્ટ્રી વહેલીતકે થઇ ચુકી છે. આ વખતે દિલ્હીમાં પણ નિર્ધારિત સમય કરતા પહેલા મોનસુનની વરસાદ પહોંચે તેવા સંકેત છે. લોકોમાં ઉત્સુકતા દેખાઈ રહી છે.

દિલ્હીમાં ક્યારે મોનસુન
દિલ્હીમાં મોનસુન આ વખતે સાત દિવસ પહેલા પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ પહેલા પણ દિલ્હીમાં અનેક વખત મોનસુન સમય કરતા પહેલા આવી જવાના દાખલા રહ્યા છે. દિલ્હીમાં મોનસુન સામાન્યરીતે ૨૯મી જૂને પહોંચે છે. ગયા વર્ષે મોનસુનની કઇ તારીખે એન્ટ્રી થઇ તે નીચે મુજબ છે.
વર્ષ તારીખ
૨૦૧૫ ૨૫મી જૂન
૨૦૧૩ ૧૬મી જૂન
૨૦૧૧ ૨૬મી જૂન
૨૦૦૮ ૧૫મી જૂન
૨૦૦૧ ૨૪મી જૂન
૧૯૯૮ ૧૬મી જૂન