(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દિલ્હી અને એનસીઆરમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ કરવા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ લાદી દીધો છે. સુપ્રિમ કોર્ટે દિલ્હીમાં વધતા જતાં પ્રદુષણને ધ્યાનમાં રાખી આ આદેશ આપતાં કહ્યું કે, ફટાકડાના વેચાણ પર ૩૧ ઓક્ટોબર સુધી પ્રતિબંધ લાદવામાં આવશે. ૧ નવેમ્બરથી ફટાકડાનું વેચાણ કરી શકાશે. કોર્ટે કહ્યું કે, તે જોવા માગે છે. ફટાકડાઓના કારણે પ્રદુષણ પર કેટલી અસર થઈ ? આગાઉ સુપ્રિમ કોર્ટે દિલ્હી- એનસીઆરમાં ફટાકડાઓના વેચાણ પરના પ્રતિબંધને અમુક શરતો સાથે રદ્દ કર્યો હતો. સુપ્રિમે કહ્યું હતું કે, દિવાળીમાં ફટાકડાઓના વેચાણ માટે પોલીસની નજર હેઠળ લાયસન્સ આપવામાં આવશે. જેમાં વધુમાં વધુ ૫૦૦ અસ્થાયી લાયસન્સ આપવામાં આવશે. સુપ્રિમે ૨૦૧૬માં આપેલ લાયસન્સમાંથી માત્ર ૫૦ ટકાને જ લાયસન્સ મળશે. આ જ નિયમ એનસીઆરમાં પણ લાગૂ કરવામાં આવશે. વધુમાં સુપ્રિમે હોસ્પિટલ,કોર્ટ, ધાર્મિક સ્થળો, અને શાળાઓની આસપાસના ૧૦૦ મીટરના અંતર સુધી ફટાકડા ન ફોડવા નિર્દેશ કર્યો છે. તેમજ ફટાકડા બનાવવામાં લિથિયમ, લેડ, પારો,એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવા પણ આદેશ આપ્યો છે.
નોંધનીય છે, ગત વર્ષે અમુક બાળકોએ સુપ્રિમ કોર્ટમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે અરજી કરી હતી. ત્રણ બાળકો દ્વારા કરવામાં આવેલ અરજીમાં દશેરા અને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આ બાળકોની વય માત્ર ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીની હતી. આમ પ્રથમ વખત બન્યું છે કે, કોઈ બાળકોેએ ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હોય.
સુપ્રીમ કોર્ટના ફટાકડા ફોડવા ઉપરના પ્રતિબંધથી ઉદ્યોગને ૧૦૦૦ કરોડનું નુકસાન
(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમકોર્ટે દિલ્હીમાં ફટાકડા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એનાથી આ દિવાળીએ દિલ્હીવાસીઓને પ્રદૂષણથી રાહત મળશે. પણ આ નિર્ણયથી ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલ ખાસ કરીને તામિલનાડુના સિવાકાસીને ૧૦૦૦ કરોડનું નુકસાન થશે જેનાથી લાખો લોકોને રોજગારી પણ ગુમાવવી પડશે.
દેશમાં સિવાકાસી ખાતે જ પ૮ ટકા ફટાકડાઓનું ઉત્પાદન થાય છે. એમને ભય છે કે, સુપ્રીમકોર્ટના આદેશનો અન્ય રાજ્યો પણ અમલ ચાલુ કરશે તો એમના માટે જીવવું જ દોહ્યલું બની જશે. ફટાકડા એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે દિવાળી જ એવો સમય છે જ્યારે અમે વધુમાં વધુ નફો મેળવીએ છીએ. સુપ્રીમકોર્ટના આદેશથી ઘણા બધા એકમો બંધ થઈ જશે. હવે દિવાળી ટાણે ફકત ૧૦ દિવસ બાકી છે. એ માટે સુપ્રીમકોર્ટમાં રિવ્યુ અરજી પણ નહીં કરી શકાય. એમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ફટાકડા દ્વારા અમે ફકત અઠવાડિયા માટે પ્રદૂષણ ફેલાવીએ છીએ પણ જે વાહનો બારેમાસ પ્રદૂષણ ફેલાવે છે એનું શું ? સિવાકાસી ખાતે અંદાજે ૭૦૦૦ કરોડનું ટર્નઓવર થાય છે. આ ઉદ્યોગના ઉત્પાદન સાથે ૩ લાખ લોકો સંકળાયેલા છે અને અન્ય પ લાખ લોકો એની સાથે જોડાયેલ અન્ય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. અમને આ લોકોની રોજગારી ભયમાં દેખાઈ રહી છે. જો કે, સિવાકાસીના ફટાકડાના કારખાનાઓમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી વારેઘડી આગના અકસ્માતો થાય છે. જેથી એ કાયમ ચર્ચાઓમાં રહે છે તેમ છતાંય ઉદ્યોગ ટકી રહેલ છે. અમારી દિવાળી અન્ય રાજ્યોના એનજીઓ અને ખાનગી વ્યક્તિઓ બગાડી શકે છે.