(એજન્સી) નવી દિલ્હી,તા.૬
દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિ.-જેએનયુ-ના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બુકાનીધારી યુવકોના એક હિંસક ટોળાએ લાકડીઓ-લોખંડના સળિયાના હથિયારો સાથે હોસ્ટેલ અને કેમ્પસમાં ગેરકાયદે ઘૂસીને મહિલા છાત્રો-પ્રોફેસરો સહિત અન્યો પર હુમલાઓ કરીને આચરેલી ભારે હિંસા-તોડફોડ અને અરાજક્તા વગેરે.ની ગંભીર અને નિંદનીય ઘટનાના દેશ આખામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો બીજી તરફ કેન્દ્રના ગૃહ વિભાગે, સરકાર માટે કલંકરૂપ આ ઘટનાની તપાસ દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચને સોંપીને વહેલામાં વહેલી તકે અહેવાલ આપવાની તાકીદ કરી હતી. તપાસ કરનાર પોલીસની ટીમ દ્વારા તાકીદે એફઆઇઆર નોંધીને તાત્કાલિક યુનિ. કેમ્પસમાં પહોંચી તપાસની કામગીરી હાથ ધરી હતી તો સોશ્યલ મિડિયામાં પણ આ બનાવ અંગેની તપાસ અલગથી હાથ ધરી છે. દરમ્યાનમાં જેએનયૂ શિક્ષક સંઘે કુલપતિ અને ઉપકુલપતિને હટાવવાની માંગણી કરી છે.
આ હુમલા અંગે ડાબેરી છાત્ર સંઘ અને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા એકબીજાની સામે સામસામે ઓક્ષેપો કરવામાં આવ્યાં છે. તો જાણીતી યુનિ.ના ઉચ્ચ સત્તાવાળાઓ હુમલાની ઘટનામાં બેદરકારીના મામલે શંકાના દાયરામાં આવી ગયા છે અને હુમલાખોરોને રોકવા માટે યુનિ.ના દરવાજે કલાકો સુધી રાહ જોઇ રહેલી પોલીસને કેમ્પસમાં પ્રવેશવા માટે કેમ સત્વરે મંજૂરી આપવામાં ન આવી તેવા સવાલો સાથે ઉચ્ચ સત્તાવાળાઓની સામે આંગળી ચિંધાઇ રહી છે. દિલ્હીના એલજી અને ગૃહમંત્રી અમિત શાહે પણ બનાવની ગંભીરતાને લઇને કોઇપણ દોષિતને છોડવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી હતી. હિંસાના વિરોધમાં કેમ્પસના સાબરમતી હોસ્ટેલના વૉર્ડન મિનાએ આજે સવારે પોતાના પદ પરથીનું રાજીનામું આપી દીધુ હતું તો, કુલપતિએ કરી શાંતિની અપીલ કરી હતી.