(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સૂચિત કાયદાને ‘ગેરબંધારણીય’ અને ‘કોમવાદી’ ગણાવીને તેની સામેના વિરોધના એક ભાગરૂપે ગુરૂવારે યુનિવર્સિટીમાં નાગરિક સુધારા બિલ (સીએબી)ની નકલો બાળી હતી. ડાબેરીઓના સમર્થનવાળા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ એસોસિએશન (એઆઇએસએ), સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓટોનોમસ વિમેન સ્ટુડન્ટ્‌સ ક્લેક્ટિવ પિંજરા તોડ સહિત વિભિન્ન વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટી ખાતે કલેક્ટિવ-ડીયુના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં આસામના અન્ય સંગઠનો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. દિલ્હી યુનિવર્સિટીના એઆઇએસએના સેક્રેટરી મધુરિમા કુંડાએ જણાવ્યું કે દેખાવકારોએ નાગરિકતા સુધારા બિલને ગેરકાનૂની ગણાવ્યું હતું અને યુનિવર્સિટી કેમ્પસમાં એક કૂચ પણ કાઢી હતી. સંઘ પરિવારના હિન્દુ રાષ્ટ્રના એજન્ડાને આગળ ધપાવવા માટે ભાજપ અને આરએસએસ દ્વારા નાગરિકતા સુધારા બિલ લાવવામાં આવ્યું છે.