(એજન્સી)
ઇસ્લામાબાદ/નવી દિલ્હી, તા. ૨૪
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના મીરપુર પાસે આવેલા ભારે ભૂકંપને પગલે ઉત્તર ભારત અને દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પીઓકેમાં આ ભૂકંપની તીવ્રતા ૬.૩ આંકવામાં આવી છે જેના કારણે પીઓકેમાં ભારે તબાહી સર્જાઇ છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના મીરપુરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા જાટલાનમાં આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ આંકવામાં આવી છે. ભારતમાં પાકિસ્તાન પાસે આવેલા જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપની સૌથી વધુ તીવ્રતા હતી. ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૧ વાગે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના મીરપુરમાં ભૂકંપને કારણે મોટી તબાહીના અહેવાલ છે જેમાં પ્રાથમિક અહેવાલમાં એક બિલ્ડીંગ ધરાશાયી થવાથી ૨૦ લોકોના મોત થયા હતા જ્યારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના આ ભૂકંપના આંચકા ઇસ્લામાબાદ, લાહોર, ખૈબર પખ્તૂનખ્વા જેવા શહેરોમાં પણ અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૪૦ કિલોમીટર દૂર હતું. ભૂકંપ બાદ તરત જ ગુગલ પર તબાહીના અનેક ફોટા આવ્યા હતા જેમાં મીરપુરમાં તૂટેલા રોડ અને ગાડીઓ ફસાવાના વીડિયો પણ સામેલ હતા.
જમ્મુ-કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગસિંહે સ્પષ્ટતા કરી હતી કે ભારતના કાશ્મીરમાં ભૂકંપના લીધે જાન કે માલ હાનિના કોઇ તાત્કાલિક અહેવાલ મળ્યા નથી. પાકિસ્તાનના મીરપુરમાં અનેક સ્થળે મોટા નુકસાન થયા છે જેમાં અનેક મકાન ધરાશાયી થયા છે અને અનેક સ્થળે માર્ગો તૂટી ગયા છે. હાલ ૨૦ લોકોનાં મોત અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ મળ્યા હતા. કાશ્મીર પોલીસે પુષ્ટી કરી હતી કે, ઘાટીમાં કોઇ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. મીરપુરના જાટલાનમાં નહેર પાસેથી પસાર થતી એક આખી સડક ધસી જતા માર્ગ પર ઉભેલી અનેક કારો દટાઇ ગઇ હતી અને નવા પડી ગયેલા ખાડાઓમાં પડી હતી. એટલું જ નહીં મોટી સંખ્યામાં મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. ઝેલમ નદી પાસે મંગલા ડેમ પાસે આ નહેર પસાર થાય છે જેની આપસાસ વધુ નુકસાન થયું છે. નહેર પર બનેલું એક પુલ પણ તૂટી ગયું છે અને આસપાસના ગામોમાં પાણી ભરાવાનું જોખમ સર્જાયું છે. પાકિસ્તાનમાંથી મળતા અહેવાલો પ્રમાણે નહેરના કાંઠે આશરે ૨૦ ગામો વસે છે જ્યાં હજારો લોકો ભૂકંપને પગલે મુશ્કેલીમાં ફસાયા છે. ૮ ઓક્ટોબર ૨૦૦૫માં પણ પીઓકેમાં ભૂકંપના ભારે આંચકા આવ્યા હતા જેના કારણે મોટી તબાહી મચી હતી.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી, પુંછ, ઉધમપુર અને રામબનના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકાની ભારે તીવ્રતા અનુભવાઇ હતી. જમ્મુ-કાશ્મીર ઉપરાંત દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તરભારતના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ચંદીગઢ, અંબાલા, પાણીપત, અમૃતસર, લુધિયાણા સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તમામ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સહિત ગુરૂગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંકકાઓને પગલે લોકો ઓફિસો અને ઘરોમાંથી બહાર આવી ગયા હતા તથા ખુલ્લી જગ્યાઓમાં દોડી ગયા હતા. ઘણી વાર સુધી ચાલતા ભૂકંપના આંચકાઓને પગલે ડરી ગયેલા લોકો ખાલી સ્થળો અને પાર્કોમાં દોડવા લાગ્યા હતા. પાકિસ્તાનના લાહોર અને ઇસ્લામાબાદમાં ભૂકંપની તીવ્રતા ભારતીય શહેરોની સરખામણીએ વધુ હતી.

ભૂકંપ આવે તો જીવ બચાવવા શું કરવું અને શું ન કરવું

પાકિસ્તાનના મીરપુર પાસે આવેલા જાટલાનમાં ભૂકંપના ભીષણ આંચકાને પગલે સમગ્ર પાકિસ્તાન હચમચી ગયું છે. સડકો પર લાંબી અને પહોળી તિરાડો પડી ગઇ હતી. અત્યારસુધી આઠ લોકોનાં મોતના અહેવાલ છે પણ મોટાપાયે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઇ છે. ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તરભારતમાં અનુભવાયા છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગે છે. જીવ બચાવવા માટે અફરા-તફરી મચાવે છે. આવા સમયે તમે કેવી રીતે બચી શકો તે માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો દર્શાવી છે.
ભૂકંપ આવે ત્યારે શું કરવું
૧. ભૂકંપના સમયે તમે ઘરમાં હોવ તો તરત જમીન પર બેસી જાવ.
૨. ઘરમાં કોઇ મજબૂત ફર્નિચર કે ટેબલની નીચે બેસી જાવ. તમારા હાથથી માથા અને મોઢાને ઢાંકી લો જેથી જીવલેણ ઇજાથી બચી શકાય.
૩. જ્યાં સુધી ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી રહી છે ત્યાં સુધી ઘરની અંદર જ રહો. આંચકા રોકાયા બાદ તરત જ બહાર નીકળી જાવ.
૪. જો ભૂકંપ રાતના સમયે આવ્યો હોય અને તમે ઊંઘી રહ્યો હોવ તો સંકોચાઇને તમારા શરીરની નાની ગાંસડી બનાવો અને ઓશિકાથી માથું ઢાંકી લો.
૫. જો તમે ભૂકંપને કારણે કાટમાળ નીચે દબાઇ જાવ તો કોઇ રૂમાલ અથવા કપડાથી મોઢું ઢાંકી લો.
૬. જો કાટમાળ નીચે દટાયેલા છો તો પોતાની હાજરી બતાવવા માટે પાઇપ અથવા દીવાલને ઠોકતા રહો જેથી બચાવ દળ તમને શોધી શકે.
૭. જો તમારી પાસે બચાવ માટે કોઇ ના આવે તો બૂમો પાડતા રહો અને હિંમત ના હારો.
ભૂકંપના સમયે શું ન કરવું
૧. ભૂકંપના સમયે તમે ઘરની બહાર છો તો હંમેશા ધ્યાન રાખવું કે વીજળીના થાંભલા અને ઊંચી ઇમારતોથી દૂર રહો.
૨. જો ભૂકંપના સમયે તમે ગાડી ચલાવી રહ્યા હોવ તો તેને તરત રોકી દો પણ ગાડીમાંથી બહાર આવશો નહીં. આ દરમિયાન એ વાતનો પણ ખ્યાલ રાખો કે તમારી ગાડી કોઇ પુલ અથવા ફ્લાયઓવર નીચે ના હોય.
૩. ભૂકંપના સમયે તમે ઘરમાં હોવ તો ઘરમાં જ રહો, બહાર આવશો નહીં.
૪. ભૂકંપના સમયે કાટમાળમાં દટાઇ જાવ તો પ્રકાશ માટે માચિસ સળગાવવી નહીં. જો ક્યાંક ગેસ લીક થતું હોય તો તેનાથી આગ લાગી શકે છે અને તમારૂં જીવ જોખમમાં આવી શકે છે.
૫. ભૂકંપ સમયે તમે ઘરમાં હોવ તો ચાલવું અથવા દોડવું નહીં, યોગ્ય જગ્યા શોધી બેસી જવું.
૬. જો તમે ઘરમાં હોવ તો કોઇ ખૂણામાં જતા રહો. આવા સમયે કાચ, બારીઓ, દરવાજા અને દીવાલોથી બની શકે તેટલા દૂર રહો.
૭. ભૂકંપના સમયે અને તેના તરત બાદ લિફ્ટના ઉપયોગથી બચો. નબળી સીડીઓનો ઉપયોગ પણ ના કરો. લિફ્ટ અને સીડીઓ બંને તૂટી શકે છે.
૮. ભૂકંપમાં જો તમે કાટમાળમાં દટાઇ જાવ તો વધુ હલનચલન કરશો નહીં અને ધૂળ પણ ના ઉડાડો.