(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સમાજસેવક અન્ના હજારેએ કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર પર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલા લોકપાલ કાયદાને નબળો પાડવાનો આરોપ લગાવ્યો છે. હજારેએ આજે અહીંયા ખેડૂતો દયનીય હાલત અને ચૂંટણીમાં સુધારા માટે આગામી ર૩ માર્ચથી શરૂ થઈ રહેલા પોતાના આંદોલનની રૂપરેખા જણાવતા કહ્યું કે, મોદી સરકારે લોકપાલ કાયદાને સખત અને પ્રભાવી બનાવવાવાળી જોગવાઈને હટાવીને તેને નબળો કરી દીધો છે. હજારેએ ભ્રષ્ટાચારથી લઈને ખેડૂતો સુધીની તમામ રાષ્ટ્રીય સમસ્યાઓ માટે રાજનેતાઓને જવાબદાર ઠેરવતા કહ્યું કે, તેઓ પોતાના આંદોલનથી એવા લોકોને દૂર રાખશે જે આંદોલનને હાથો બનાવીને રાજકારણમાં આવી જાય છે. હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર જ કહ્યું કે, ભ્રષ્ટાચારની વિરૂદ્ધ પાછલા આંદોલનના મંચનો ઉપયોગ કરીને કોઈ મુખ્યમંત્રી બની ગયું તો કોઈ મંત્રી. તેમણે કહ્યું ‘આ વખતે અમે આંદોલનમાં એ જ લોકોને સાથે લીધા છે જેઓ સોગંદનામું આપીને ભવિષ્યમાં કોઈ રાજકીય દળમાં સામેલ નહીં થવાના શપથ લે છે. જો આ સોગંદનામું પહેલાં લીધું હોત તો આંદોલનના મંચનો ઉપયોગ કરનારા લોકો મુખ્યમંત્રી અને મંત્રી ના બની શક્યા હોત.’ કેજરીવાલ દ્વારા આંદોલનને દગો આપવાના પ્રશ્ન પર હજારેએ કહ્યું, ‘‘હું તો ફકીર છુંં, ફકીરને કોઈ શું દગો આપશે, પરંતુ એટલું જરૂર છે કે, અરવિંદે આશ્વાસન આપ્યું હતું કે તે પાર્ટી નહીં બનાવે.’’ તાજેતરમાં જ રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં કેજરીવાલ પર ટિકિટ વેચવાનો આરોપ મૂકાયાના પ્રશ્ન પર હજારેએ કહ્યું, ‘‘મારે હવે એ લોકો સાથે કોઈ સંબંધ નથી, તેથી મને તેમના વિશે કંઈ જ ખબર નથી. તેમનો રસ્તો અલગ છે અને મારો રસ્તો અલગ છે, એવામાં મારે તેમના વિશે કંઈ જ કહેવું નથી. હજારેએ જણાવ્યું કે, ર૩ માર્ચના રોજ તેઓ દિલ્હીમાં કિસાન પેન્શન બિલ પસાર કરવા અને ચૂંટણીમાં સુધારો કરવાની માંગને લઈને આંદોલન કરશે. તેમણે કહ્યું કે પાછલા રર વર્ષોમાં લાખો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આજની સરકાર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, ખેડૂતોની નહીં. તેથી ક્યારેય કોઈ ઉદ્યોગપતિને આત્મહત્યા કરવાનો વારો નથી આવ્યો.