(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દક્ષિણ દિલ્હીની એક હોસ્પિટલમાં બે નાઈઝીરીયન ગેંગ તલવારો અને કુહાડીઓ સાથે હુમલો કરી દીધો હતો જેનાથી ભયભીત બનેલો સ્ટાફ જીવ બચાવવા ટોઈલેટો અને ઉપલા માળમાં છુપાઈ ગયો હતો. આ બનાવ શનિવારે સકેતમાં ઘાયલ ત્રણ નાઈઝીરીયનો સારવાર માટે આવ્યા બાદ બન્યો હતો. લગભગ સવારના ચાર વાગ્યે ઘાયલ શખ્સો હોસ્પિટલમાં હતાં ત્યારે તેમના મિત્રો કથિત રીતે તેમની બહાર રાહ જોઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હરીફ ગેંગના સભ્યો શસ્ત્રો સાથે ઓટોરિક્ષામાં આવી હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. સીસીટીવીમાં આ બંને ગેંગ વચ્ચેની અથડામણ દેખાઈ રહી છે. લોકો કુહાડી વડે હોસ્પિટલના દરવાજા તોડી રહ્યા હતા. તેમજ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. હરીફ ગેંગ હોસ્પિટલના રિસેપ્શનમાં કલાક સુધી ઝઘડો કર્યો હતો. હોસ્પિટલના ગાર્ડે તેમને અટકાવવા પ્રયાસ કરતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. જેથી ભયભીત બનેલો સ્ટાફ પોતાનો જીવ બચાવવા ટોઈલેટ અને ઉપલા માળ પર આવેલા રૂમમાં છુપાઈ ગયો હતો. નાઈઝીરીયન ગેંગ હોસ્પિટલની સંપત્તિને નુકસાન પહોંચાડી ફરાર થઈ હતી. પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.