અમદાવાદ, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી નીતિન ગડકરીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આ યોજના સાર્થક પૂરવાર થશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ડેમના લોકાર્પણ દ્વારા ૯૭૦૦ ગામડાના લોકોની પીવાની પ્યાસ બુઝાશે તેવી ખાતરી આપી હતી. આજનો દિવસ દેશના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે એવી લાગણી વ્યક્ત કરતા કેન્દ્રીય જળ સંશાધન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રના વિકાસમાં એથીક્સ, ઈકોનોમી અને એન્વાયરમેન્ટના મહત્ત્વ સાથે સરદાર સરોવર પ્રોજેક્ટ સ્ટેટ ઓફ આર્ટનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં ૩૦ જેટલી નદીઓને જોડવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે પૈકી ત્રણ પ્રોજેક્ટનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં વધુ ૯૦ લાખ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. વડાપ્રધાનના વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સરદાર સરોવર યોજના થકી પૂર્ણ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરદાર સરોવર યોજનાથી ગુજરાતના ચાર કરોડ નાગરિકોને પીવાનું પાણી, ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહેેશે. કેન્દ્ર સરકાર પર્યાવરણના રક્ષણ સાથે દેશના નાગરિકોને પીવાનું પાણી ખેડૂતોને સિંચાઈનું પાણી અને યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના બીજા સૌથી મોટા એવા સરદાર સરોવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરીને લોખંડી પુરૂષ સરદાર સાહેબનું સ્વપ્ન આજે પૂર્ણ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને લોકાર્પણ કરવા બદલ ગુજરાતની જનતા વતી વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૬માં નર્મદા બંધના નિર્માણ દ્વારા લાખો લોકોની તૃષા છીપાવવા માટે જોયેલા સ્વપ્નને અનેક અવરોધો અડચણો વચ્ચે વડાપ્રધાને આજે સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતનો વિકાસ રૂંધાયો, વર્ષો પહેલાં ત્રણ હજાર કરોડના ખર્ચ સામે આજે રૂા.૫૬ હજાર કરોડના ખર્ચે આ વિશ્વમાં પ્રતિષ્ઠાસભર ડેમના લોકાર્પણ દ્વારા ૯૭૦૦ ગામડાઓની પ્રજાની પીવાના પાણીની પ્યાસ બુઝાશે. પાઈપલાઈનો દ્વારા ધરતીપુત્રોને સિંચાઈનું પાણી મળી રહેશે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સરકાર ઉદ્યોગો માટેની છે. તેઓ ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. ખરેખર નર્મદા યોજનાનું ૮૮ ટકા પાણી ખેડૂતોને સિંચાઈ માટે, ૧૦ ટકા પાણી પીવા માટે અને માત્ર ૨ ટકા પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે.
Recent Comments