નવી દિલ્હી તા. ૭

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં મોદી સરકાર પર ઉગ્ર હુમલો કરતાં એવું જણાવ્યું કે મોદી સરકારના રાજમાં લોકશાહી ગાઢ અંધારાના સમયમાંથી પસાર થઈ રહી છે. કારણ કે સરકાર સત્તાના નશામાં ચકનાચૂર છે અને અસંમતિ વ્યક્ત કરનાર તમામ લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. રાહુલે કહ્યું કે મોદી સરકારના રાજમાં લોકશાહી માટે સૌથી વધારે અંધકારમય સમય છે. રાષ્ટ્રીય સુરક્ષાના બહાને સિવિલ સોસાયટીને સવાલો કરતાં રોકવામાં આવી રહી છે. ટીવી ચેનલોને બંધ કરવામાં આવી રહી છે અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. રાહુલે કહ્યું કે આ સરકારને સોથી વધારે તકલીફ ત્યારે થાય છે કે જ્યારે તેને કોઈ સવાલા પૂછવામાં આવે. તેમણે કહ્યું, આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે એટલે મોદી સરકારે મિથ્યા પ્રચાર અને ધ્રુવીકરણનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરશે. મોદી સરકાર જાતિ અને ધર્મની કમજોર નસોને દબાવશે અને અમે મોદી સરકારના આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીશું. રાહુલે ફરી એક વાર ઓઆરઓપીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સંસદના શિયાળુ સત્રમાં સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. જમ્મુ કાશ્મીરની ચર્ચા કરતી વખતે રાહુલ કહ્યું કે સરકાર એક કિનારાથી બીજા કિનારા સુધી ભટકી રહી છે. આપણા જવાનોને ઓઆરઓપી પર દગો કરવામાં આવ્યો છે અને તેમનું પેન્શન ઘટાડી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધી કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ બેઠકમાં હાજર રહ્યાં નહોતા. સૂત્રોના જણાવ્યાનુસાર બેઠકમાં રાહુલની તાજપોશીને એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે અને હાલમાં કોગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયાને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ સંગઠને ચૂંટણી માટે એક વર્ષનો સમય માંગ્યો છે. કોંગ્રેસે તેને માટે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. હાલમાં કોગ્રેસ યુપી, પંજાબ અને ગુજરાતમાં ચૂંટણીમાં લાગેલી હોવાથી તેને સંગઠનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી લાગતો નથી.

દિલ્હીમાં થયેલી કારોબારી સમિતીની બેઠકમાં સર્વસંમતિથી એવી માંગ ઉઠાવવામાં આવી કે રાહુલને હવે કોંગ્રેસની કમાન સોંપી દેવી જોઈએ. કોંગ્રેસના ઘણા સીનિયર નેતાઓએ એવો અભિપ્રાય દર્શાવ્યો કે રાહુલે ગત સમયમાં ઘણા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને તેમણે વન રેન્ક, વન પેન્શનના મુદ્દે જે આક્રમક વલણ અપનાવ્યું છે તેનાથી પાર્ટી કાર્યકરોમાં સારો સંદેશો ગયો છે. તેથી તેમણે કમાન હાથમાં લેવી જોઈએ.