(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૪
અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એફઆરસી (ફી રેગ્યુલેશન એક્ટ)ના ફાયદામાં જે સ્કૂલનું રજિસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ. એમાં ઘણી શાળાએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અને ડીઈઓ કચેરી મારફતે નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી નોંધણી કરવામાં નથી આવી તો શું આવી સ્કૂલોમાં ભાજપના આગેવાનો ભાગીદાર છે..? અમુક સ્કૂલો દ્વારા મનમાં આવે તેટલી ફી લઈ વિદ્યાર્થીના વાલીઓને લૂંટી રહ્યા છે જેથી મધ્યમ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય ત્યારે આવા વાલીઓને મદદે યુવક કોંગ્રેસની ટીમ તેમજ એનએસયુઆઈ સહિતના કોંગી અગ્રણીઓ દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણ કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા એનએસયુઆઈનો તથા યુવા કોંગ્રેસનો સંપર્ક સાધવામાં આવશે તો યુવા કોંગ્રેસની ટીમ તેમની સાથે છે અને વિદ્યાર્થીઓના વાલીઓની મદદ માટે ઉગ્ર આંદોલન પણ ચલાવવામાં આવશે.