અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરમાં આ વર્ષે જુન માસથી અત્યાર સુધીમાં ૪૧ ઈંચથી પણ વધુ વરસાદ વરસી ચુક્યો છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં છ ઝોનમાં મુખ્ય તેમજ આંતરિક મળીને કુલ ૨૦૨ કિ.મીના રસ્તાઓ તુટી જવા પામ્યા છે. આ મામલે શહેરમાં ભારે હોબાળા તેમજ હાઈકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન દરમ્યાન કોર્ટ દ્વારા અપનાવામાં આવેલા કડક વલણના પગલે આજે મોડી સાંજે મ્યુનિસિપસ કોર્પોરેશનના એક ડેપ્યુટી સિટી ઈજનેર સહિત છ જેટલા આસિસ્ટન્ટ ઈજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી રસ્તાઓની જોવા મળેલી પરિસ્થિતિને પગલે અમદાવાદ શહેરના લાખો નાગરિકોની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થવા પામ્યો હતો દરમ્યાન આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી માસિક સામાન્ય સભા તેમજ ધારાસભ્યો અને સાંસદોની સંકલન સમિતિની બેઠકમાં પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ સાથે જ હાઈકોર્ટમાં પણ અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓ મામલે રિટ પિટીશન દરમ્યાન હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આકરી ભાષામાં ટીકા કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોર્ટે ત્યા સુધી કહ્યું કે, અમને આંકડા નહી પરંતુ કરેલી કામગીરી અને લેવામાં આવેલા પગલાનો રિપોર્ટ આપો. બાદમાં અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર વચ્ચે એક તાકિદની બેઠક મળી હતી. જેમાં રોડ પ્રોજેક્ટ સાથે જ સંકળાયેલા અને વિવિધ ઝોન લેવલે કામગીરી કરતા આસિસ્ટન્ટ ઈજનેરોને વિજલન્સ દ્વારા આપવામાં આવેલા વચગાળાના અહેવાલના આધારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. મોડી સાંજે મેયર અને કમિશનર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ અને ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓમાં સનાટો છવાઈ જવા પામ્યો હતો.