(એજન્સી)
પંચકુલા,તા.૩૧
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમને બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ ભડકેલી હિંસાના પીડિતોને ટૂંક સમયમાં વળતર મળશે. હરિયાણા સરકારે તમામ જિલ્લાઓ પાસેથી નુકસાનનો અહેવાલ માંગ્યો છે. ૨૫ ઓગસ્ટના રોજ સીબીઆઇની વિશેષ કોર્ટે રેપ કેસમાં ચુકાદો આપ્યા બાદ ગુરમીતના અનુયાયીઓએ પંચકુલા અને હરિયાણાના અનેક જિલ્લાઓમાં હિંસા આચરી હતી. અનેક વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા. દિલ્હીમાં ટ્રેનના ડબ્બાથી લઇને અનેક સ્થળો પર સરકારી ભવનોમાં આગચંપી કરવામાં આવી હતી. અલગ-અલગ સ્થળો પર ભડકેલી હિંસા પછી હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાની સંપત્તિ વેચીને નુકસાનની ચુકવણી કરવાના આદેશ આપ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર ડેરા સમર્થકોએ હિંસામાં કુલ ૨૦૪ કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હરિયાણા સરકાર પૂરી રકમ ડેરાની સંપત્તિ વેચીને વસૂલશે.