(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૨૭
મહેસાણામાં ૫ાણીની પાઈપ લાઈનોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશમાં તોળાઈ રહેલા જળસંકટને દૂર કરવા માટે નદીઓનું જોડાણ કરવું આવશ્યક છે તેનાથી પશુપાલન અને ખેતીનો વિકાસ ઝડપી બનશે.
વધુમાં ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે,બંધારણીય પદ ઉપર આવ્યા બાદ હું રાજકારણમાંથી રીટાયર્ડ થયો છું પરંતુ,ટાયર્ડ નથી થયો.ગુજરાતમાં નર્મદા અને સાબરમતી નદીને જોડવાનો પ્રયોગ સફળ રહ્યો છે અને કેનાલો તેમજ પાણીની પાઈપ લાઈનો નાંખી સરકારે ઉ.ગુજરાત સહિત રાજ્યના સૂકાભઠ પ્રદેશોમાં સિંચાઈ અને પીવાના પાણી પહોંચાડવાનું કામ કર્યું છે.પૂર્વ વડાપ્રધાન વાજપાઈના કાર્યકાળમાં દેશના રાજ્યોને ધોરીમાર્ગો સાથે જોડવાનું ક્રાતીકારી પગલું લેવાયું હતું હવે,નદીઓને જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૧,૨૪૫ કરોડના ખર્ચે ૬ નવીન પાણીની પાઈપલાઈનો નાંખવાનું કામ મંજૂર કરાયું છે.જેના દ્વારા જિલ્લાના ૪ તાલુકાના અનેક ગામડાઓમાં તળાવો ભરવા સહિત સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.આજે યોજાયેલા કાર્યક્રમમમાં પ્રવચન કરતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મોતિયા આવી ગયેલા વિરોધીઓને રાજયમાં થયેલો વિકાસ નજરે પડતો નથી.ભાજપ સરકાર ખેડૂતલક્ષી કાર્યો કરી રહી છે.હાલ ઉત્તર ગુજરાતમાં ૧૧ પાઈપલાઈનો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.જયારે આવનારા દિવસોમાં વધુ છ પાઈપલાઈનો થકી પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે.આ પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી,સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.જયારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,કૃષિમંત્રી દિલીપ ઠાકોર,વાહનવ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.