(એજન્સી) જયપુર, તા. ૨૩
કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ પર શહીદ થયેલા ડીડવાના તાલુકાના ગ્રામ માવાના નિવાસી સુબેદાર અબ્દુલ સત્તારને સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. વિદાય દરમિયાન ઘણા મોટા નેતાઓ, અધિકારીઓ અને સેનાના અધિકારીઓ તેમજ જવાનોએ શહીદને પુષ્પચક્ર અર્પિત કરીને નમન કર્યું. મંગળવારે સવારે ખાસ વાહનમાં શહીદનો પાર્થિવ દેહ તેમના પિતૃક ગામ માવા લાવવામાં આવ્યું. આ સાથે જ ગામમાં સન્નાટો છવાઇ ગયો. ઘરે શહીદનો મૃતદેહ પહોંચતા શહીદ અબ્દુલ સત્તારના પરિવારવાળાઓ તેમના પાર્થિવ દેહ સાથે ચોંટીને રડવા લાગ્યા હતા. શહીદની પત્ની અને બાળકોની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. શહીદના પિતા પણ ભારે ઉદાસ થઇ ગયા હતા. ગામમાં શહીદનો જનાઝો રવાના થતા સૈંકડો લોકો તેમાં સામેલ થયા. જનાઝામાં ચાલી રહેલી લોકો તિરંગામાં લપેટાયેલા શહીદના પાર્થિવ દેહ પર પુષ્પવર્ષા કરી રહ્યા હતા અને આખું ગામ રડી રહ્યું હતું. અધિકારી કર્નલ મદનસિંહ જોધા, ડીડવાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જિતેન્દ્રસિંહ ચારણ સહિત ઘણા અધિકારીઓએ શહીદના પાર્થિવ દેહ પર પુષ્પ ચક્ર અર્પણ કર્યા હતા. સેનાના જવાનોએ શહીદને સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ધાર્મિક વિધિ મુજબ શહીદના જનાઝાની નમાઝ પઢાવીને તેમની દફનવિધિ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ડીડવાના તાલુકાના ગ્રામ માવાના વતની શહીદ અબ્દુલ સત્તાર સેનામાં કાશ્મીરમાં સેનાની ૧૩ ગ્રેનેડિયર રેજીમેન્ટમાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા પર તૈનાત હતા. ગત ૧૨મી મેના રોજ ડ્યુટી દરમિયાન તેમના કેમ્પમાં આગ લાગી ગઇ પરંતુ અબ્દુલ સત્તારે પોતાના જીવની પરવા કર્યા વગર કેમ્પમાં રહેલા શસ્ત્રો અને દારૂગોળાને બચાવી લીધા. આ દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમના ૧૨ બેઝ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી દિલ્હીની સેના હોસ્પિટલમાં રિફર કરાયા હતા પરંતુ તેમનો જીવ બચાવી ન શકાયો અને રવિવારે તેઓ શહીદ થઇ ગયા. અબ્દુલ સત્તારની વીરતાને જોઇને તેમને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે. અબ્દુલ સત્તારે પવિત્ર રમઝાનમાં શહાદત મેળવી છે.