(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, દેશ સંકટમાં છે. ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. તેવી સ્થિતિમાં જરૂરી છે કે, વિપક્ષ એકજૂથ થઈને રહે અને દેશને બચાવવા આગળ આવે. અબ્દુલ્લાએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત બાદ દિલ્હીમાં ઉક્ત વાત જણાવી હતી. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન નાયડુ સાથે એ વાત પર ચર્ચા થઈ હતી કે, દેશની વિવિધતાને કેવી રીતે બચાવવામાં આવે.
વિપક્ષો એકજૂથ થતાં નેતા કોણ હશે તેવો પ્રશ્ન કરાતાં અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કોઈએ એમ નથી કહ્યું કે તે વિપક્ષોનો નેતા હશે. રાહુલ ગાંધીએ પણ નથી કહ્યું કે, તે વિપક્ષના નેતા હશે. આ મુદ્દો વાતચીત બાદ નક્કી કરાશે.