(એજન્સી) ગોવા, તા.ર૦
ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે રવિવારે ઉચ્ચ ન્યાયાલયની ટિપ્પણીને ખોટી ઠેરવતા જણાવ્યું કે દેશભક્તિ સાબિત કરવા લોકોને સિનેમાગૃહોમાં ઊભા થવાની જરૂર નથી. એક સભાને સંબોધતા પાર્રિકરે કહ્યું કે તાજેતરમાં જ ઉચ્ચ ન્યાયાલયના આદેશમાં રાષ્ટ્રગીત વખતે સિનેમાગૃહમાં ઊભા ન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. હું આ નિર્ણયના ગુણદોષમાં પડવા માંગતો નથી. પરંતુ મારા મત પ્રમાણે તે નિર્ણય ખોટો છે. ઉચ્ચ ન્યાયાલયે ર૩ ઓક્ટોબરના રોજ આદેશ આપ્યો હતો જેમાં લોકોને પોતાની દેશભક્તિ સાબિત કરવા સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થવાની જરૂર નથી. ન્યાયાલયે રાષ્ટ્રગીત આયોજિત કરવાના નિયમન માટેના નિયમોમાં સંશોધન પર વિચાર કરવા કેન્દ્રને જણાવ્યું હતું. ઉચ્ચ ન્યાયાલયે એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત દરમિયાન જો કોઈ વ્યક્તિ ઊભું ન થાય તો તેનામાં દેશભક્તિ ઓછી છે એમ માનવું યોગ્ય નથી. મુખ્યમંત્રી પાર્રિકરે જણાવ્યું કે, રાષ્ટ્રગીત વાગવાના સમયે ઊભા થવું કે નહીં એ લોકોની પ્રતિક્રિયા ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય પર આધારિત નથી પરંતુ એમની સંસ્કૃતિનો એક ભાગ છે.