નવી દિલ્હી, તા.૧૯
દેશભરમાં દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરાઈ. તમામ લોકો ભારે ઉત્સાહિત દેખાયા હતા. મિઠાઇ અને અન્ય કિંમતી ચીજોની ભેંટની આપલે કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી-૨૦૧૭ પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ ટ્‌વીટર મારફતે શુભકામના આપી હતી. અન્યો પ્રત્યે સવેદનશીલ બનવા પણ લોકોને અપીલ કરી હતી. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પણ રાષ્ટ્રપતિએ તમામને અપીલ કરી હતી . સોશિયલ મીડિયા પર સૌથી વધારે સક્રિય રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભકામના આપી હતી. મેસેજ રિડિંગ સાથે એક ફોટો પણ મોદીએ મુક્યો હતો. દિવાળી પર્વની ભારતની સાથે સાથે મલેશિયા, મોરિશિયસ અને પાકિસ્તાનમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવી હતી. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવતા આ પર્વને લઇને લોકો અને ખાસ કરીને બાળકો વધારે ઉત્સાહિત દેખાયા હતા.