(એજન્સી) તા.ર૬
બસપા પ્રમુખ માયાવતીએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકારની ખોટી નીતિને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઐતિહાસિક સપાટી વટાવી ગઈ છે. તેમણે પટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવશે નહીં તો બસપા દેશભરમાં પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
માયાવતીએ મોદી સરકારને આડે હાથ લેતા કહ્યું કે કેન્દ્રમાં ભાજપના ચાર વર્ષના શાસનકાળ દરમ્યાન ગરીબ, મજૂર, ખેડૂત અને સવાસો કરોડ જનતાને અસરકારક મોંઘવારી મળી છે. બસપા પ્રમુખે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર તેના દરેક કામોને ઐતિહાસિક ગણાવે છે. કદાચ એટલે જ પટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને મોંઘવારી પણ ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. પટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નહીં થાય તો બસપા દેશભરમાં સડકો પર ઉતરશે.
તેમણે કહ્યું કે ભાજપને ગરીબો સાથે કોઈ લેવા દેવા નથી. નોટબંધી અને જીએસટી ફકત ધન્નાશેકોને ફાયદો થયો છે. જનતાને કરેલ એક પણ વાયદો કેન્દ્રની ભાજપ સરકારે પૂરો કર્યો નથી. મોદી સરકાર સફેદ જૂઠ્ઠાણું ચલાવે છે. મોદીએ તેમના ચાર વર્ષના શાસનકાળમાં જનતાને માત્ર દગો આપવાનું કામ કર્યું છે. માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે.