(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સ યુનિયન (JNUSU)એ સોમવારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સ્નાતક શર્જિલ ઇમામ સામે લગાવાયેલા દેશદ્રોહના આરોપ વિરૂદ્ધ પ્રદર્શન કરીશું. ઉપરાંત ઉત્તરપ્રદેશના ડોક્ટર કફીલખાન અને આસામના કાર્યકર અખિલ ગોગોઇ સહિતના અન્ય લોકો સામેના કેસો વિરૂદ્ધ જંતરમંતર પર પણ ધરણા કરીશું. વિદ્યાર્થી સંગઠન સીએએ અને એનઆરસીનો પણ વિરોધ કરી રહ્યું છે. સંગઠને મંડી હાઉસથી જંતરમંતર સુધી માર્ચનું આહ્‌વાન કર્યું હતું પરંતુ વિસ્તારમાં પોલીસે ધારા ૧૪૪ લાગુ કરી દીધી હતી. પત્રકારોને જેએનયુએસયુની અધ્યક્ષ આઇશી ઘોષે જણાવ્યું હતું કે, આ પેટર્ન ફક્ત યુનિવર્સિટીઓમાં જ નહીં પરંતુ તેની બહાર પણ ચાલે છે જ્યાં સરકાર લોકોના અવાજને દબાવવાના પ્રયાસ કરી રહી હોય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અમે તેમણે પહેલા પણ કહ્યું હતું કે, તેમણે રાજકીય અટકાયતીઓને છોડવા પડશે. અમે આ માટે લડવા જઇ રહ્યા છીએ. મુસ્લિમોના અવાજને નિશાન બનાવાય છે અને તેઓ ચિંતાતુર છે. પરંતુ સમગ્ર સમાજ આ કાળા કાયદા વિરૂદ્ધ ઊભો છે અને લડાઇ ચાલુ રાખશે.