(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.રર
ઝઘડિયા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના નવીન ભવનનું ઉદ્‌ઘાટન ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વસાવાએ જણાવ્યું હતું કે દેશના કિસાનોનો ઉદ્ધાર જેટલી ખેતીવાડી બજાર સમિતિ કાર્યરત હશે તેના પર નિર્ભર છે. દેશમાં વસ્તી મુજબ ૪ર૦૦૦ ખેતીવાડી બજાર સમિતિની જરૂરિયાત છે જેની સામે માત્ર ૭૭૦૦ જેટલી જ કાર્યરત છે ત્યારે આવા સંજોગોમાં કિસાનનો વિકાસ અશક્ય છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઝઘડિયા ખેતીવાડી બજાર સમિતિ સાથે સંકળાયેલ સોસાયટી મંડળીઓના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો તથા સરકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો દ્વારા ખેતીવાડી બજાર સમિતિના વહીવટકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું નથી. માત્ર ચૂંટણી સમયે રાજકીય હાથો બનાવવા આવા સરકારી માળખાનો ઉપયોગ વર્તમાન રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે અને ખેતીવાડી બજાર સમિતિઓને ચલાવવા વિવિધ યોજના રૂપી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ સરકારમાં બેઠેલાઓ આ બાબતનું જરૂરી માર્ગદર્શન આપતા નથી જેથી ખેતીવાડી બજાર સમિતિની હાલત દેશમાં કથળી ગયેલ છે.