(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગને ૧.૪૭ લાખ કરોડની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર)ની રકમ જમા કરાવવા માટેના સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના બાદ શા માટે ટેલિકોમ કંપનીઓ તથા અન્ય કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટર્સ અને ડાયરેક્ટર્સ સામે કોર્ટના આદેશની અવમાનનાનો કેસ દાખલ ના કરવામાં આવે તેનો ખુલાસો દેશની સર્વોચ્ચ અદાલતે માગ્યો છે. પોતાના આદેશનીગંભીર નોંધ લેતા જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ એમઆર શાહની બેંચે એજીઆર મુદ્દે આપેલા ચુકાદાના અમલને રોકી રાખવા બદલ ટેલિકોમ કંપનીઓના વિભાગો દ્વારા આપવામાં આવેલા આદેશ મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેંચે અવલોકન કર્યું હતું કે, શું દેશમાં કોઇ કાયદો બચ્યો નથી. એ સારૂં રહેશે કે દેશમાં રહેવું ના જોઇએ તેના કરતા તો દેશ છોડીને જતા રહેવું જોઇએ. કોર્ટે કહ્યું કે, એટોર્ની જનરલ અને અન્ય બંધારણીય સત્તાવાળાઓ પાસેથી લેખિતમાં લેવું જોઇએ કે, તેઓ ટેલિકોમ અને અન્ય કંપનીઓ પાસેથી નાણા ઉઘરાવવા માટે દબાણ કરતા જ નથી અને એવી ખાતરી કરી રહ્યા છે કે, તેમની સામે આકરા પગલાં લેવવા ના જોઇએ. કાયદાકીય ક્ષેત્રે એજીઆર તરીકે જાણીતા એક કેસમાં દેશની ટેલિકોમ કંપનીઓને ૨૩ જાન્યુઆરી સુધીમાં સરકારના બાકી નિકળતા નાણાં અંદાજે ૧.૪૭ લાખ કરોડ ચૂકવી આપવા સુપ્રિમ કોર્ટના આદેશ સામે સરકારના જ ડેસ્ક પરના એક અધિકારીએ કોર્ટના આગામી આદેશ સુધી વસૂલાત પર પ્રતિબંધ મૂકીને કંપનીઓને રાહત આપતા અને તે ગંભીર બાબત કોર્ટના ધ્યાન પર આવતાં કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર સામે કદાજ પહેલીવાર એવી કડકમાં કડક ફટકાર લગાવી હશે જેમાં કોર્ટે ભારે નારાજગી સાથે એવું અવલોકન કર્યું કે જો કોઇ અધિકારી કોર્ટના આદેશ પર રોક લગાવવાની હિંમત કરી શકે છે તો કોર્ટ બંધ કરી દેવી જોઇએ! સુપ્રીમના આદેશ છતા વોડાફોન,એરટેલ સહિતની મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી. આ અંગે સુપ્રીમ કોર્ટે કંપનીઓને પુછ્યું કે, તમારા વિરુદ્ધ કોર્ટના અવમાનનાની કાર્યવાહી કેમ ના કરવામાં આવે ? કંપનીઓને બાકી રકમ જમા કરાવવાનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટે ભારે હૈયે એમ પણ કહ્યું કે, ‘શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો છે ખરો? આ દેશમાં રહેવા કરતા તો બહેતર છે દેશ છોડીને જતા રહેવું જોઈએ! કાયદાના નિષ્ણાતોના મતે, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્ર સરકાર સામે આ પ્રકારની અતિ ભારે ટીપ્પણી કદાજ પહેલીવાર થઇ છે કે જેમાં કોર્ટે એવો અફસોસ વ્યક્ત કર્યો હોય કે આ દેશમાં રહેવા જેવું છે કે કેમ! આ દેશમાં જે પ્રકારે ઘટના ઘટી રહી છે તેણે અમારા અંતરાત્માને હચમચાવી મુક્યો છે એમ પણ કોર્ટે અવલોકન કરતાં વર્ણવ્યુ હતું. આ અંગે જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે ખાનગી કપનીઓ ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા, કોમ્યુનિકેશન, ટાટા ટેલીકોમ્યુનિકેશન્સ, રિલાયન્સ જીઓ અને સરકારી કંપનીઓ એમટીએનએલ, બીસીએનએલ, અને અન્ય મેનેજિંગ ડાયેક્ટર્સને ૧૭ માર્ચ હાજર થવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટની ભારે નારાજગીનું કારણ એ છે કે ટેલિકોમ(દૂરસંચાર) વિભાગના મહેસૂલ કેસ સાથે જોડાયેલા એક ડેસ્ક અધિકારીએ ગત દિવસોમાં એટોર્ની જનરલ અને બંધારણીય પદો પર બેઠેલા અન્ય અધિકારીઓને લખેલા સત્તાવાર પત્રમાં એમ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ટેલીકોમ કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે, ભલે તેઓ એજીઆર કેસમાં બાકીની ચુકવણી કરે કે ન કરે! આ અંગેની જાણ કોર્ટને થતાં કોર્ટે ભારે આકરૂ વલણ અપનાવીને કેન્દ્ર સરકારને આજે ભારેમાં ભારે ઠપકો આપીને એમ કહેવું પડ્યું કે આ દેશમાં રહેવા જેવું છે કે કેમ? આ અંગે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જ્યારે અમે પહેલા જ ટેલીકોમ કંપનીઓને ચુકવણીનો આદેશ આપી ચુક્યા છીએ, તો કોઈ ડેસ્ક અધિકારી આવો આદેશ કેવી રીતે આપી શકે છે? અમને ખબર નથી કે માહોલ કોણ બગાડી રહ્યું છે? શું દેશમાં કોઈ કાયદો જ વધ્યો નથી? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરુદ્ધ જવાની હિંમત કરી શકે છે તો કોર્ટને તાળા લગાવી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો કોઈ અધિકારીએ એક કલાકની અંદર આદેશ પાછો ન લીધો તો તેને જેલમાં ધકેલી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ટેલિકોમ કંપનીઓને શુક્રવારે રાતે ૧૧ઃ૫૯ વાગે બાકીના નાણાં જમા કરાવવા આદેશ

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આશરે ૬ કલાકમાં બાદ સરકારે ટેલિકોમ કંપનીઓને શુક્રવારે રાતે ૧૧.૫૯ વાગ્યા સુધી બાકીની રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. ભારતી એરટેલ તથા વોડાફોન-આઇડિયા તથા અન્ય કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદા પહેલા રકમ ચુકવવાની રહેશે. ટોચની અદાલતે શુક્રવારે જ ટેલિકોમ કંપનીઓ પાસેથી રિકવરી સ્થગિત કરવા અંગે દૂરસંચાર વિભાગને ફટકાર લગાવી હતી. ૧.૪૭ લાખ કરોડ રૂપિયાના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) મામલે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટાભાગની કંપનીઓએ રકમ જમા કરાવી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કંપનીઓને પુછ્યું હતું કે, તેમની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનની કાર્યવાહી કેમ કરવામાં ન આવે? શું આ દેશમાં કોઇ કાયદો બચ્યો છે કે નહીં? આ દેશમાં રહેવા કરતા તો સારૂં છે કે, તેને છોડીને જતાં રહેવું જોઇએ. દૂરસંચાર વિભાગમાંથી જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, લાયસન્સ ફી અને સ્પેકટ્રમ ઉપયોગ કરની ચુકવણીને લઇને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોએ ૧૪મી ફેબ્રુઆરીએ રાતે ૧૧.૫૯ વાગે બાકીની રકમ ચુકવવાનો નિર્દેશ અપાયો છે.