(અલમદાર બુખારી)
અમદાવાદ, તા.ર૮
“દેશનું ન્યાયતંત્ર હાલ જે દોરમાંથી પસાર થઈ રહ્યું છે તેનાથી દુઃખ થાય છે પણ નિરાશ થવાની જરૂર નથી કેમ કે આ દુઃખદ તબક્કો પણ પસાર થઈ જશે” એવી હકારાત્મક આશા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એ.એમ. અહમદીએ વ્યક્ત કરી હતી.
એક અંગત કાર્યક્રમમાં ભાગ લેવા પધારેલા પૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા જ.અહમદીએ ‘ગુજરાત ટુડે’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નિશ્ચિતપણે વર્તમાન ઘટનાક્રમથી ન્યાયતંત્રની ગરિમા ઝંખવાઈ છે. ખાસ કરીને વર્તમાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા સામેના મહાભિયોગ પ્રસ્તાવ બાબતના ઘટનાક્રમ તથા તે પૂર્વે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ યોજવી પડેલી પત્રકાર પરિષદ તેમજ હાલમાં જસ્ટિસ જોસેફની નિમણૂંકને કેન્દ્ર સરકાર દ્વારા બહાલી ન આપવા જેવા બનાવો અફસોસજનક છે એમ કહેતા દેશના આ ટોચના ન્યાયવિદ્‌ અને પોતાના અનેક વિદ્વતાપૂર્ણ ચુકાદાઓ માટે જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એવા જસ્ટીસ અહમદીએ જણાવ્યું હતું કે, દેશની ન્યાયપાલિકાએ નીડરતાપૂર્વક અને કોઈના પણ પ્રભાવમાં આવ્યા વિના પોતાની ગરિમાની રક્ષા કરવી જોઈએ. ન્યાયતંત્રએ પોતાના આંતરિક મજબૂતી દ્વારા જ વર્તમાન કમનસીબ તબક્કામાં બહાર આવવું જોઈએ અને એનામાં આ સામર્થ્ય છે જ ત્યારે મને વિશ્વાસ છે કે આ તબક્કો લાંબો નહીં ચાલે.
જસ્ટિસ અહમદીએ કહ્યું હતું કે, હું જ્યારે દેશના ચીફ જસ્ટિસ પદે હતો ત્યારે પણ આ પ્રકારના પડકારો આવ્યા હતા પરંતુ અમે ન્યાયતંત્રની ગરિમાનું જતન પૂરી નીડરતાથી કર્યું હતું.
દેશના લઘુમતી સમુદાયની થઈ રહેલી સતામણી તેમજ ખાસ કરીને દેશના બંધારણે લઘુમતી સમુદાયે બક્ષેલા અધિકારો પર પણ તરાપ મારવામાં આવી રહી છે. એ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જસ્ટિસ અહમદીએ કહ્યું હતું કે, હુંં હંમેશાથી કહેતો આવ્યો છું કે, ભયને- ડરને તમારા પર હાવી થવા દેશો નહીં. જો તમે ભયને તમારી સિસ્ટમમાં દાખલ થવા દેશો તો તેઓ તમને વધારે બીવડાવવામાં આવશે ત્યારે હિંમત રાખીને તમારે કામ કરવું પડશે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) તેમજ જામિયા મિલ્લીયા ઈસ્લામીયા જેવી દાયકાઓ જૂની લઘુમતી સંસ્થાઓ પાસેથી એમનો બંધારણ દ્વારા પ્રાપ્ત લઘુમતી દરજ્જો છીનવી લેવાની થઈ રહેલી કોશિષો અંગે એમણે જણાવ્યું હતું કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દરજ્જાનું રક્ષણ કરવું જોઈએ એના બદલે તેનું જ વલણ પ્રશ્નાર્થભર્યું છે. મારા કાર્યકાળ દરમ્યાન પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે મેં બંધારણે બક્ષેલા અધિકારો અને જોગવાઈઓનું સ્પષ્ટ પાલન કરવા આદેશ આપી આ લઘુમતી શૈક્ષણિક સંસ્થાનોમાં નકારાત્મક દખલ કરવા દીધી ન હતી. હાલના તબક્કે બંધારણે બક્ષેલા અધિકારો-કાયદાઓનો ગહન અભ્યાસ કરવાની તાતી જરૂરિયાત છે અને ત્યારબાદ બંધારણીય રીતે લડત આપવી પડશે જેનાથી લઘુમતી દરજ્જા સહિતના કોઈપણ અધિકારોમાં પરિવર્તન કરવાની કોઈને તક મળશે નહીં. આ માટે લઘુમતી સંસ્થાઓના સંચાલકો, કુલપતિઓ વગેરેએ અભ્યાસપૂર્ણ અને અર્થપૂર્ણ બંધારણીય કાનૂની સંઘર્ષ કરવો પડશે.
જસ્ટિસ કે.એમ.જોસેફની નિમણૂંક અંગે સરકાર દ્વારા કરાયેલી વર્તણૂકને તુચ્છ તેમજ શરમજનક ગણાવતા જસ્ટિસ એહમદીએ કહ્યું હતું કે, આ પ્રકારની કાર્યપધ્ધતિ શોભતી નથી. સરકારે ઈન્દુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી અને જસ્ટિસ જોસેફની નિમણૂંકને અવરોધી એ પ્રકારનું “ચેરી પીકીંગ” જેવું કામ કર્યું એ યોગ્ય નથી. સરકારે કાં તો બન્નેના નામ ફગાવવા હતા અથવા તો બન્નેને મંજૂરી આપવી જોઈતી હતી. આવા સમયે દેશના વર્તમાન ચીફ જસ્ટિસે નીડર પગલું ભરવું જોઈએ અને ન્યાયતંત્રના જુસ્સાને નબળો પડવા દેવો ન જોઈએ.
ન્યાય ન મળવાને કારણે પીડિત લોોક હિંસા જેવા અવળા માર્ગે જવા મજબૂર બની જાય છે તે અંગે પ્રશ્ન પૂછતા જસ્ટિસ અહમદીએ કહ્યું હતું કે, કોઈપણ વર્ગના લોકોમાં અન્યાયની ભાવના પેદા થવી ન જોઈએ અને જો એવું કંઈ થતું હોય તો તેને દૂર કરવા માટેના નૈતિક પ્રયાસો થવા જોઈએ. ઈતિહાસમાંથી આપણે ઘણું શીખવાની જરૂર છે. દા.ત. જર્મનીમાં યહૂદીઓ ઉપર જે અત્યાચારો નાઝીઓએ કર્યા કે પેલેસ્ટીનવાસીઓ સાથે જે દાયકાઓથી થઈ રહ્યું છે એ ઈતિહાસમાંથી શીખવાની જરૂર છે.
ગુજરાત ટુડે દૈનિક દ્વારા પીડિતોને ન્યાય અપાવવા માટેના થતાં પ્રયાસો તથા અનેક પ્રકારની કરાતી સામાજિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જસ્ટિસ અહમદીએ જણાવ્યું છે કે, ગુજરાત ટુડેના વાચકોએ ગુજરાત ટુડે દૈનિકને સતત પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ અને ગુજરાત ટુડે પણ તેની ગુણવત્તા બહેતરથી વધારે બહેતર થાય એ માટે પ્રયાસો કરતાં રહેવું જોઈએ.