(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
જાપાનના વડાપ્રધાન શિન્જો આબે બે દિવસની ઐતિહાસિક યાત્રાએ આજે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે ગુરૂવારના દિવસે દેશના સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ એથ્લેટીક્સ ગ્રાઉન્ડ સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ભૂમિપુજન કરવામાં આવનાર છે. આવતીકાલે ઐતિહાસિક મંત્રણાની સાથે સાથે બન્ને દેશોના પ્રતિનિધીસ્તરની મંત્રણા, બિઝનેસને લગતા વિવિધ કાર્યક્રમ પણ યોજાશે. બન્ને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવનાર છે. ક્યા ક્યા એમઓયુ થશે તેને લઇને પણ તમામ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત આવતીકાલે સવારે કરનાર છે. આની સાથે જ વૈશ્વિક ફલક પર ભારત અને જાપાનનો પરસ્પર સહકાર આ ક્ષેત્રે નવી દિશા ખોલી દેશે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અનેક ઐતિહાસિક સોપાનોનુ સર્જન કરનાર છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડના કહેવા મુજબ આ પ્રોજેક્ટ દ્વારા દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ પ્રોજેક્ટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાદિત ખર્ચ રૂપિયા એક લાખ કરોડથી વધુનો થાય છે. આ પ્રોજેક્ટના ૮૦ ટકા નાણાં સહાય જાપાન સરકાર આપી રહી છે. લાખો પ્રવાસીઓ વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને જોવામાં આવે છે. આ પ્રોજેક્ટને ૨૦૨૨ સુધી અમલી કરવાની યોજના મોદી ધરાવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદમ્ય ઈચ્છા છે કે આ બુલેટટ્રેન વર્ષ-૨૦૨૨માં જે સમયે ભારત આઝાદીના ૭૫ વર્ષ પુરા કરે એ સમયે દોડતી થઈ જાય. આ પ્રોજેકટની ડેટલાઈન વર્ષ-૨૦૨૩ રાખવામા આવી છે.આ પ્રોજેકટ પાછળ થનારા કુલ ખર્ચ પેટે જાપાન તરફથી રૂપિયા ૮૮,૦૦૦ કરોડની લોન ભારતને ૦.૧ ટકાના નહીવત વ્યાજ સાથે આપવામા આવનાર છે. જે ભારતે ૫૦ વર્ષમા પરત કરવાની રહેશે. હાલમાં ખુબ જ વ્યસ્ત રહેતા મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી મુંબઈ ટ્રેન માર્ગે પહોંચવામા સાત કલાક જેટલો સમય લાગે છે એના બદલે આ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ માત્ર ત્રણ કલાકના સમયગાળામા પહોંચી જવાશે.શરૂઆતના સ્ટેજમા આ બુલેટ ટ્રેનમાં ૧૦ કાર રાખવામા આવશે જેના દ્વારા એક સાથે ૭૫૦ લોકો અવર જવર કરી શકશે.પાછળથી તેની ક્ષમતામા વધારો કરીને ૧૨૦૦ લોકો બેસી શકે એ પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત આવતીકાલે જાપાન દ્વારા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોના પણ એમઓયુ બિઝનેસ સમીટમાં કરવામાં આવશે.