(એજન્સી) ભોપાલ, તા.રપ
ખેડૂતોની વિવિધ માગણીઓને લઈને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના રાષ્ટ્રીય શિવકુમાર શર્મા કક્કાજીએ ૧થી ૧૦ જૂન સુધી ખેડૂત આંદોલન દરમ્યાન ગામડાઓ બંધનું એલાન કર્યું છે. ગામડાઓમાંથી શહેરોમાં થતી આયાત-નિકાસ પરના ૧૦થી ૧૦ જૂન સુધી પ્રતિબંધ લાદવાની યોજના તૈયાર થઈ રહી છે. દેશભરના કિસાનો પોતાની માગણીઓને લઈને ૧૦ જૂન સુધી હડતાળ પર ઉતરશે. સ્પષ્ટ છે કે આ દરમ્યાન દૂધ, શાકભાજી, ફળો જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ શહેરમાં મોકલવામાં આવશે નહીં. અહેવાલ મુજબ મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓને સંવેદનશીલ જણાવવામાં આવ્યા છે. જેમાં નર્મદાંચલ સંભાગના હરદા અને હોંશંગબાદમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ આંદોલનને સફળ બનાવવા ખેડૂતો સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ રહ્યા છે.
રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના પ્રદેશ મહામંત્રી હેમરાજ પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર ખેડૂતોના અધિકારો મામલે આંખ આડા કાન કરી રહી છે. ખેડૂતોને એમના હકો માટે લડાઈ લડશે અને છીનવીને પણ લેશે. ખેડૂતોએ ભાજપ સરકાર સમક્ષ ખેડૂતોની માસિક આવક, દેવા માફી, દૂધની નિર્ધારિત કિંમત, શાકભાજીની ચોક્કસ કિંમત, સ્વામીનાથન આયોગની ભલામણ લાગુ કરવાની માંગ કરી છે. સંઘ જિલ્લાના ભોપાલ, જબલપુર અને ઈન્દોર જેવા શહેરોમાંથી દૂધની આયાતને રોકવા નાકાબંધી કરશે. આ આંદોલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, શરદ યાદવ, પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંત સિંહા, સાંસદ શત્રુઘ્ન સિંહા, હાર્દિક પટેલ, મેધા પાટકર, યોગેન્દ્ર યાદવ, જેવા મોટા નેતા સામેલ થઈ શકે છે.