અમદાવાદ, તા.૧
રાજ્યની જેલોમાં કેદીઓની સ્થિતિ વિશે માહિતી આપતા કોર્ટ મિત્ર ગૌતમ જોશીએ રજૂઆત કરી હતી કે દેશની વસ્તીની પચાસ ટકા લોકોને ઉપલબ્ધ નથી તેવી સુવિધાઓ સાબરમતી જેલમાં ઉપલબ્ધ છે . કોર્ટમાં થયેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન તેમના તરફથી આવી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને આધારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જેલમા મર્યાદા કરતા વધુ કેદીઓની સંખ્યા, સ્ટાફની અછત અને આરોગ્ય ને લગતી સુવિધાઓની શું સ્થિતિ છે અને તેમાં સુધારો કરવા માટે સુઓમોટો પિટિશન લેવા માટે દેશની તમામ હાઇકોર્ટને આદેશ કરાયો છે. એથી ગુજરાત હાઇકોર્ટમાં ગૌતમ જોશીની એમિકસ ક્યુરી તરીકે નિમણુક કરીને જેલની સ્થિતિનો અભ્યાસ કરવા માટે આદેશ કર્યો હતો. તેના અનુસંધાને જોશીએ તાજેતરમાં સાબરમતી જેલના મુલાકાત લઈ ને અહેવાલ રજૂ કર્યો હતો. જોશીએ જણાવ્યું હતું કે તેમને જે સવલતો જોવા મળી તે સવલતો દેશના કદાચ સામાન્ય કહી શકાય તેવા ૫૦ ટકા લોકોને પણ ઉપલબ્ધ નથી. જોકે હાઇકોર્ટે રાજ્યની અન્ય જેલોમાં કેદીઓની સંખ્યા, કોટડીઓ”ની જગ્યા, આરોગ્ય, જેલના સ્ટાફની સંખ્યા સહિત અન્ય સવલતો કેવી છે તેનો અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે. આજે આ કેસની સુનાવણી સમયે અમીક્યસક્યુરી દ્વારા ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ કરાયેલી રજૂઆત બાદ તમામ જેલોની મુલાકાત લેવા માટે આદેશ કરીને તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ આદેશ આપ્યો હતો. ઉલ્લેખીય છે કે સુપ્રિમકોર્ટમાં દેશની જેલો ઓવરક્રાઉડેડ હોવાનું સામે આવ્યું હતું. દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસીત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો હતોકે, કેદીઓને પ્રાણીની જેમ ન રાખી શકાય અને તેમના માનવીય મુલ્યોનું રક્ષણ થવું જોઇએ. કેસની સુનાવણી દરમિયાન આવેલી વિગતો મુજબ દેશમાં ૧૩૦૦ જેટલી જેલો ઓવરક્રાઉડેડ છે અને મોટાભાગની જેલો ૧૫૦ ટકાથી લઈને ૬૦૦ ટકા થી વધુ કેદીઓ જેલની ક્ષમતાથી વધુ છે.