અમદાવાદ, તા.ર૭
ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ અમદાવાદની વાર્ષિક સાધારણ સભા તા.ર૭મી ઓગસ્ટના રોજ લાલજી પરમાર મ્યુનિ. હોલ દાણીલીમડા અમદાવાદ ખાતે યોજાઈ ગઈ. જેમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારના મુસ્લિમ વ્હોરા-પટેલના વિદ્યાર્થીઓ, વાલીઓ; મોટી સંખ્યામાં બહેનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અતિથિ વિશેષ સ્થાનેથી બોલતાં જાણીતા સાહિત્યકાર, ગઝલકાર અઝીઝ ટંકારવીએ જણાવ્યું કે પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના કથન મુજબ લોકોની અને સમાજની સેવા કરવી એ નફીલ ઈબાદત કરતાં વધુ સવાબનું કામ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ખરેખર સમાજની સેવા એ ઉમદા કાર્ય છે. પોતાના કુટુંબ માટે સમય ફાળવ્યા બાદ સમાજ માટે પણ કામ કરવું જોઈએ. પટેલ સમાજનો ઈતિહાસ યાદ દેવડાવતાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોના રાજ્ય વહીવટ સમયે કેપ્ટન ઓવન્સ ભરૂચ જિલ્લાની મુલાકાતે વ્હોરા-પટેલ સમાજના અભ્યાસ માટે આવેલ ત્યારે તેણે પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે આ સમાજના લોકો મહેનતું, મહેમાન નવાજિસ કરનારા લોકો છે. તેમનામાં એવું કોઈ વિશિષ્ટ તત્ત્વ છે જે તેમને આ કરવા પ્રેરે છે. એ વાતની સાબિતી માટે અઝીઝ ટંકારવીએ ઉદાહરણ ટાંક્યું હતું કે ભારત દેશની આઝાદીથી લઈ વ્હોરા પટેલ સમાજે આફ્રિકાની આઝાદી વેળા નેલ્સન મંડેલાની સાથે ખભે-ખભો મિલાવીને ભરૂચ તાલુકાના દયાદરા ગામના મૂળ વતની એવા દુલા ઉમર (અબ્દુલ્લા ઉમર) અને પરીએજ ગામના ઈસપ આદમ પટેલ જેવા લોકોએ જેલ પણ વેઠી છે અને ત્યાં સુધી કે દુલા ઉમર તો એડવોકેટ તરીકે નેલ્સન મંડેલાનો કેસ પણ લડ્યા હતા. એટલે ભરૂચ જિલ્લાના વ્હોરા-પટેલોમાં દેશપ્રેમ, સાહસિકપણું, મહેમાન નવાજીના ગુણ ભરપૂર પડ્યા છે. એ વારસાને નવી પેઢીએ સાચવવાનો છે. પટેલ સહાયક મંડળના શિક્ષણ અને રોજગારના કાર્યને બિરદાવતાં કહ્યું હતું કે આવી જે સામાજિક સંસ્થાઓ લોકોના ભલા માટે કામ કરે છે તેમને દિલ ખોલી મદદ કરવાનું સૌને આહ્‌વાન કર્યું હતું.
આ પ્રસંગે કાયદા વિભાગના નાયબ સચિવ ઉસ્માનભાઈ પટેલે જણાવ્યું હતું કે મુસ્લિમ વ્હોરા-પટેલ સમાજ હંમેશાં એકતાથી રહે છે અને સમાજની પ્રગતિ માટે ખભે-ખભો મિલાવીને કામ કરે છે. આવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટેનું ઉમદા કામ થઈ રહ્યું છે. પટેલ સમાજે ક્યારેય પણ દીકરા કે દીકરીનો ભેદભાવ રાખ્યો નથી. બંનેને સમાન ગણી દિની-દુન્યવી તાલીમ આપે છે અને એના થકી જ જીવનમાં સફળ થવાય છે.
જ્યારે ભરૂચ જિ. પટેલ સહાયક મંડળના પ્રમુખ મુસ્તાકભાઈ પટેલે પટેલ સમાજને એનો ઈતિહાસ જાણવા સમજવા આહ્‌વાન કરતાં કહ્યું હતું કે શિક્ષણ અને રોજગારીમાં સમાજે ખાસ ધ્યાન આપવું જોઈએ. આ મંડળે ઉલટભેર કામ કરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ, વિધવા સહાય જેવી સમાજને પ્રગતિના પંથે લઈ જવાની જે પ્રવૃત્તિઓ કરી છે તેની આ પ્રસંગે યાદ દેવડાવી હતી. મંડળ દ્વારા ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામની રકમ અને મેડલ એનાયત થયા હતા. મંડળ દર મહિને ૩ર વિદ્યાર્થીઓને સહાય કરે છે તેમજ કીડનીના દર્દીઓને ડાયાલિસીસ માટે સહાય કરે છે.
આ પ્રસંગે પટેલ મકસૂદ હુસેન મુકરદમે મંડળના ઈતિહાસની વિગતો જણાવી હાઈસ્કૂલની સ્થાપનાનું આહ્‌વાન કરી એ દિશામાં કાર્ય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે ફૈસલભાઈ (વોરા સમની), અઝીઝ ટંકારવી અને ઉસ્માનભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ઈનામના ચેક અને મેડલ એનાયત કરાયા હતા. તિલાવતે કુર્આનથી શરૂ થયેલા આ કાર્યક્રમનું ખૂબ જ સફળ સંચાલન પટેલ સહાયક મંડળના સેક્રેટરી ઐયુબભાઈ અલીભાઈ મઢીએ કર્યું હતું. તેમના સફળ સંચાલન થકી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો હતો.