(એજન્સી) ઇસ્લામાબાદ, તા.૧૯
પાકિસ્તાનના પ્રવાસે આવેલા સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહામંત્રી એન્ટોનિયો ગુટરેસે જમ્મુ અને કાશ્મીર બાદ હવે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે પ્રશ્નો ઊઠાવ્યા છે. નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય અંગે યુએનના મહામંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક પછી એક મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલા મોટા નિર્ણયો અંગે ભારત સરકારના ઇરાદા સામે પ્રશ્નો ઊઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં રહેતા મુસ્લિમો વિશે તેઓ ચિંતિત છે. સીએએ કાયદાને કારણે આશરે ૨૦ લાખ લોકોને દેશમાંથી બહાર કાઢી શકાય છે. ૨૦ લાખ લોકોના દેશ વિહિન થવાનો ખતરો છે. આ ૨૦ લાખ લોકોમાં મોટાભાગના મુસ્લિમો છે. પાકિસ્તાનના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા ગુટરેસે જમ્મુ અને કાશ્મીર અંગે બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઓફર પણ કરી હતી. એના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દા અંગે કોઇ ત્રાહિત પક્ષની મધ્યસ્થતાની કોઇ ભૂમિકા નથી. આ મુદ્દા અંગે ભારતની સ્થિતિ કે વલણ બદલાયું નથી. ગુટરેસે કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન સહમત થાય તો તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતમાં લઘુમતીઓ સામે વધી રહેલા ભેદભાવ વિશે તેઓ ચિંતિત છે કે કેમ ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ નાગરિકતા સંબંધિત કાયદામાં ફેરફાર કરવામાં આવે છે, એવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે કે, દેશવિહિનતાની સ્થિતિ પેદા ન થાય અને એવું સુનિશ્ચિત કરી શકાય કે, દુનિયાનો પ્રત્યેક નાગરિક કોઇ ન કોઇ દેશનો નાગરિક પણ હોય. નોંધનીય છે કે, એન્ટોનિયો ગુટરેસે જમ્મુ અને કાશ્મીર અંગે પણ ટિપ્પણી કરી હતી અને તેના જવાબમાં ભારતે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશ રહેશે.