(એજન્સી) બેંગ્લુરુ, તા. ૧૦
બળવાખોર ૧૨ ધારાસભ્યોને મળવા માટે કર્ણાટકથી મુંબઇની હોટેલ પહોંચેલા કોંગ્રેસના મંત્રીને પ્રવેશવાનો ઇન્કાર કરવા બદલ પ્રહાર કરતા પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના સુપ્રીંમો દેવગૌડાએ બુધવારે જણાવ્યું હતું કે, આ સ્થિતિ ઇમરજન્સી કરતા પણ ખરાબ છે અને મારા જાહેર જીવનના ૬૦ વર્ષમાં આવું કાંઇ જોયું નથી. ગૌડાએ આ ઉપરાંત ભયજનક સ્થિતિમાં મુકાયેલા લોકતંત્રને બચાવવા માટે આંતરિક વિખવાદોને બાજુમાં મુકીને રાજકીય પાર્ટીઓને એકસાથે આવવાનું આહ્‌વાન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે મુંબઇની હોટેલમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને તેમનું રૂમ બૂક હોવા છતાં ત્યાં પ્રવેશવાનો ઇન્કાર કરાયો આવી સ્થિતિ મેં મારા ૬૦ વર્ષના રાજકીય જીવનમાં જોઇ નથી. તેમણે લોકશાહીને બચાવવા માટે તમામ વિખવાદો બાજુમા મુકીને રાજકીય પાર્ટીઓને એકસાથે આવવા આહ્‌વાન કર્યું હતું.
કોંગ્રેસ અને જેડીએસની સરકારને બચાવવાના પ્રયાસમાં ગયેલા શિવકુમારે હોટેલમાં પ્રવેશતા અટકાવાયા બાદ જણાવ્યું હતું કે, તેઓ ધારાસભ્યોને નહીં મળે ત્યાં સુધી તેઓ પરત ફરશે નહીં. કોંગ્રેસ અને જેડીએસ સરકારમાંથી રાજીનામું આપી સરકારને સમર્થન પરત ખેંચવાની સાથે કોંગ્રેસના સાત, જેડીએસના ત્રણ અને બે અપક્ષ ધારાસભ્યો શનિવારથી મુંબઇની હોટેલમાં છે. સરકારને તોડી પાડવાના ભાજપના પ્રયાસ વિરૂદ્ધ રાજભવન સુધી કોંગ્રેસ-જેડીએસની વિરોધ રેલીને સંબોધતા દેવગૌડાએ આ આહ્‌વાન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું કે, કોંગ્રેસ અને જેડીએસ શાંત બેસી રહેશે નહીં અને કર્ણાટકમાં જ્યાં પણ ભાજપના નેતાઓ જશે ત્યાં તેઓ દેખાવ કરશે. તેમણે કહ્યું કે, ‘‘હું તમને ચેતવવા માગું છું કે, અમરા કાર્યકરો રાજ્યમાં તમને કોઇપણ સ્થળે પ્રવાસ કરવા દેશે નહીં. અમે એવી સ્થિતિ ઉભી કરીશું કે તમે લોકોને મળવા લાયક રહેશો નહીં. તેમણે આરોપ મુક્યો હતો કે, મુંબઇ ગયેલા ધારાસભ્યો ફક્ત નાણાની લાલચમાં આવ્યા છે અને રાજીનામા પહેલા તેમણે લોકોનો મત માગ્યો નથી.