અમદાવાદ,તા.૩૦
અમરેલીના ખાંભામાં છેલ્લા ચાર દિવસથી બે સિંહ અને એક સિંહણે અડ્ડો જમાવ્યો છે. ત્યારે સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે પ્રતિષ્ઠાનો દાવ લાગ્યો છે. દરમ્યાન ખેડૂતોને જોઈને સિંહ અને સિંહણે તેમનો ૩ કિ.મી. સુધી પીછો કર્યો હતો. જો કે સદનસીબે બંને ખેડૂતો બચી ગયા હતા. એટલે ફરી એકવાર દેવાળિયા જેવી દુર્ઘટના થતા રહી ગઈ હતી. ગઈકાલે સાસણ નજીક દેવાળિયા પાર્કમાં બનેલી ભયાનક ઘટના બની હતી. સતર્ક રહેવાના બદલે ફરીથી વનતંત્રની લાલિયાવાડી સામે આવી હતી, બંને ખેડૂતો હાલ બચી ગયા છે. પરંતુ રેન્જ અને રાઉન્ડ કહેવાતા વનવિભાગના અધિકારીઓને ઘટનાની જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહી કરી. ઘટના એવી છે કે નિગાળા ગામના એક ખેડૂત પોતાની વાડીએ જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા અને સિંહ-સિંહણ રસ્તો રોકી લીધો. બાઈક હોવાના કારણે તેઓ બચવામાં સફળ થયા હતા પણ થોડીવાર બીજા ખેડૂત પોતાની વાડીએ જવા માટે ચાલીને નીકળ્યા હતા. ત્યારે સિંહ અને સિંહણ તેમનો રસ્તો રોકવા માટે આગળ આવ્યા હતા. સિંહ અને સિંહણે તેમનો ૩ કિ.મી. સુધી પીછો કર્યો હતો. ત્યારે ખેડૂતે દોડતાદોડતા એક વાડીએ પહોંચ્યા અને મદદ માટે બૂમ પાડવા લાગ્યા એક ખેડૂત મદદ માટે આવ્યો અને તેઓ સુરક્ષિત બચી ગયા હતા. વનવિભાગને જાણ કરી હતી. પરંતુ કોઈ મદદ માટે નહી આવ્યું અંતે સ્થાનિકો અને ગ્રામવાસીઓ જ ખેડૂતોની મદદ માટે આવ્યા હતા.