(એજન્સી) મુંબઇ, તા. ૧
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે ત્રમ સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આ દરમિયાન ભાજપ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણી સોગંદનામામાં માહિતી છૂપાવવા મામલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્મય રદ કરતા તેમની વિરૂદ્ધ ખટલો ચલાવવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ફડનવીસ વિરૂદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી ચાલશે. સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું હતું કે, ૨૦૧૪ના ચૂંટણી સોગંદનામામાં અપરાધિક કેસોની માહિતી છૂપાવવા અંગે ફડનવીસ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની પરવાનગી આપવામાં આવે કે નહીં.
ફડનવીસ પર ૨૦૧૪માં બે ચૂંટણી સોગંદનામામાં અપરાધિક કેસોની માહિતી છૂપાવવાનો આરોપ છે. આ બંને કેસો નાગપુરના છે. આમાં એક માનહાનિ અને બીજો છેતરપિંડીનો કેસ છે. વકીલ સતીશ ઉઇકેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, ૨૦૧૪ની ચૂંટણી ઉમેદવારી કરતા સમયે ફડનવીસે ખોટું સોગંદનામું દાખલ કર્યું હતું. જોકે, આ પહેલા બોમ્બે હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અરજીમાં વાસ્તવિકતાઓની ઉણપ છે. આ કેસો ૧૯૯૬ અને ૧૯૯૮ના છે. આ કેસોમાં મુખ્યમંત્રી વિરૂદ્ધ અત્યારસુધી આરોપો ઘડાયા નથી. વકીલસતીશ ઉઇકેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે, ૨૦૧૪ની ચૂંટણી ઉમેદવારી કરતા સમયે ફડનવીસે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. આ જનપ્રતિનિધિ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૫-એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેથી તેમની ચૂંટણી રદ કરવામાં આવે. સીજેઆઇની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે કહ્યું કે, જનપ્રતિનિધિ કાયદા અંતર્ગત ફડનવીસ વિરૂદ્ધ કેસ ચાલશે. કોર્ટે કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ જ ફડનવીસ વિરૂદ્ધ કેસ બનતો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ફડનવીસ મંગળવારે જ નાગપુર વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવાના હતા.