અમદાવાદ, તા.૫
સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના સાંસદ દેવજી ગોવિંદ ફતેપુરા વિરૂધ્ધ રૂ.૧.૪૮ કરોડની રકમનો ચેક પરત ફરવાના ચકચારભર્યા કેસમાં કલોલના એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.આઇ.પટેલે ફરી એકવાર વોરંટ જારી કરતાં રાજકારણ ગરમાયુ છે. ચકચારભર્યા એવા આ કેસમાં અદાલત દ્વારા સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ છઠ્ઠીવાર વોરંટ જારી કરાયું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આરોપી વિરૂધ્ધ વોરંટ જારી હોવાછતાં પોલીસ તેમને પકડી લાવી શકી નથી અને તેથી આરોપી સાંસદ વિરૂધ્ધ ફરીથી વોરંટ જારી કરવામાં આવે છે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના સાંસદ દેવજી ફતેપુરાએ કણકોટ લોધિકામાં આવેલી એક હજાર વીઘા જમીનનો સોદો કરી અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકોર પાસેથી બાનાખત પેટે રૂ.૧.૪૮ કરોડ લીધા હતા પરંતુ પાછળથી સાંસદ દેવજી ફતેપુરાએ સોદો કેન્સલ કર્યો હતો, જેથી પ્રભાતસિંહે પોતાના પૈસા પાછા માંગતા સાંસદ દેવજીએ પ્રભાતસિંહને રૂ.૧.૪૮ કરોડની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં પ્રભાતસિંહ ઠાકોરે કલોલ કોર્ટમાં સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી કેસ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અગાઉ પણ કોર્ટ દ્વારા અત્યારસુધીમાં પાંચ વખત સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ વોરંટ જારી કરાયા હતા પરંતુ તેઓ અદાલત સમક્ષ હાજર રહ્યા ન હતા, પોલીસે પણ તેઓને વોરંટની બજવણી કરી પકડીને અદાલત સમક્ષ હાજર કરી શકી નહી હોવાથી કોર્ટે આ વખતે હુકમમાં તે બાબતનો ઉલ્લેખ કરી સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ છઠ્ઠી વખત વોરંટ જારી કર્યું હતું અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. ફરિયાદપક્ષ તરફથી આરોપી સાંસદના વલણ પરત્વે ભારે વાંધો ઉઠાવાયો હતો અને કોર્ટનું આ અંગે ધ્યાન દોરી સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ વોરંટ ફરીથી જારી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જે માંગણી ગ્રાહ્ય રાખી કલોલ કોર્ટે આરોપી સાસંદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ વોરંટ જારી કર્યું હતું. રૂ.૧.૪૮ કરોડની રકમનો ચેક પરત ફરવાના કેસમાં ભાજપના સાંસદ દેવજી ફતેપુરા વિરૂધ્ધ છઠ્ઠીવાર વોરંટ જારી થતાં ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું.