(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
એસસી/એસટી એક્ટમાં ફેરફાર કરવાના સરકારના નિર્ણયની ટીકા કરીને ચર્ચામાં આવેલા કથાવાચક દેવકીનંદન ઠાકુર ફરી એકવાર મંદિર મુદ્દે ચર્ચામાં આવ્યા છે. દેવકીનંદન ઠાકુરે રામ મંદિર નિર્માણ માટે કાનપુરના મોતીઝીલથી લઇ આનંદેશ્વર મંદિર સુધી પદયાત્રા કાઢી હતી. પદયાત્રા દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જો મુસ્લિમો એ માની લે કે, અયોધ્યા રામની જગ્યા છે અને ત્યાં મંદિર બનવું જોઇએ તો પછી મને આખું જીવન લાગશે તેમ છતાં તેમના માટે સુંદર મસ્જિદ બનાવીશ. તેમણે કહ્યું કે, હું સુપ્રીમ કોર્ટ સુધી મારી વાત પહોંચાડવા માગું છું.
તેમણે કહ્યું કે, અમે ૭૦ વર્ષથી મંદિર બનવાની રાહ જોઇ રહ્યા છીએ. અમે સનાતન ધર્મને માનીએ છીએ. પ્રેમ અને સદભાવથી અમારી વાત રાખીએ છીએ. અમને ફક્ત એટલું જણાવી દેવું જોઇએ કે, અમારે હવે કેટલી રાહ જોવાની છે. તેમણે કહ્યું કે, બધા ભારતમાં જ રહે છે ઇંગ્લેન્ડ કે અમેરિકામાં રહેતા નથી. ભારતમાં આપણું બંધારણ પણ કહે છે કે અહીં ભાવનાઓની કદર કરાય છે. આપણા દેશમાં ધર્મની પણ કદર કરાય છે. અયોધ્યામાં જેટલા પુરાવા મળ્યા છે તે શું વાલ્મિકી રામાયણના નથી ? શું અમે કહેવું પડશે કે રામ અયોધ્યામાં આવ્યા હતા ? રામ અયોધ્યામાં આવ્યા હતા તેનો પુરાવો વાલ્મિકી રામાયણ છે. ત્યારબાદ કથાવાચક દેવકીનંદન ઠાકુરે પરમટ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો.