અમદાવાદ, તા.રપ
બળાત્કારી બાબા આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. બનાવટી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા અને પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા આસારામના બચાવમાં આવ્યા છે. તેમણે આસારામનો બચાવ કરતા મીડિયાને જણાવ્યું હતું કે, આસારામ બળાત્કારી નથી તે તો સનાતન હિન્દુ ધર્મનો રક્ષક છે. રાજસ્થાન પોલીસની ફરિયાદમાં તેમની ચાર્જશીટમાં અને કોર્ટના ચુકાદામાં ક્યાંય આસારામે બળાત્કાર કર્યો તેવી વાત જ નથી ત્યારે આસારામના નામની આગળ બળાત્કારી બાબા શબ્દનો થઈ રહેલો ઉપયોગ વાજબી નથી. જોધપુરની કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. ત્યારે આસારામના અનુયાયીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આસારામને દોષિત જાહેર કરાતાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા અમદાવાદના મોટેરા આશ્રમમાં દોડી ગયા હતા. અહીં આવીને તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી. જેમાં બાપુએ બળાત્કાર કર્યો ન હોવાનો અને એફઆઈઆરમાં ક્યાંય બળાત્કાર લખ્યું ન હોવાનું જણાવીને હિંદુઓનું અપમાન હોવાનું કહ્યું હતું. ડીજી વણઝારાએ વધુમાં જણાવ્યું હતું કે, આસારામ અને મારો શિષ્ય ગુરુનો સંબંધ છે. ડીજી વણઝારા જ્યારે પોલીસ અધિકારી તરીકે નોકરી કરતાં હતા ત્યારે પણ આસારામ બાપુને ઘણીવાર મળી ચૂક્યા છે. આસારામને દોષિત ઠેરવ્યા બાદ વણઝારા મોટેરાના આસારામ આશ્રમ પર પહોંચ્યા હતાં જ્યાં અનુયાયીઓને સાથે મુલાકાત પણ કરી હતી. વણઝારાએ આસારામનો બચાવ કરતા કહ્યું હતું કે, મારી પાસે એફઆઈઆરની નકલ છે જેમાં ક્યાંય નોંધાયું નથી કે બળાત્કાર થયો છે. પીડિતાએ પોલીસ સમક્ષ પણ બળાત્કાર થયો હોવાનું જણાવ્યું નથી. કોર્ટમાં ટ્રાયલ દરમિયાનન પણ પીડિતાએ તેના પર બળાત્કાર થયાની વાત કરી નથી. ફરિયાદમાં માત્ર એટલી જ વાત છે કે બદઈરાદાપૂર્વક તેને સ્પર્શ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ચાર્જમાં બાપુજીને દોષિત ઠેરવ્યા છે. વણઝારાએ જણાવ્યું હતું કે, જોધપુર કોર્ટના નિર્ણયનું હું સન્માન કરું છું. ડીજી વણઝારાએ કહ્યું હતું કે, આસારામ વિરૂદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરમાં મને ખરાબ ઈરાદાથી જોવામાં આવી છે. કોઈ પણ કોર્ટનો નિર્ણય આખરી હોતો નથી અને દેશમાં ઉપરી કોર્ટ પણ છે. આ પ્રકારનો કેસ આસારામ બાપુને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે. જોધપુર કોર્ટના સજાના હુકમ સામે હાઈકોર્ટ જવાની વાત વણઝારાએ કરી હતી.