અમદાવાદ, તા.૨૯
તાજેતરમાં સોશિયલ મીડિયા ટીકટોક પર પોલીસકર્મીઓની વીડિયો વાયરલ થવાનો મામલો ગરમાયો છે, ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસની છબિ ખરડાય નહીં, તેમજ કાયદા અને નિયમોને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા સૂચના આપી છે. હાલમાં રાજ્યના અલગ-અલગ જિલ્લા-શહેરોમાં પોલીસ દળના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર અને ખાસ કરીને ટીકટોક એપ્લિકેશનના ઉપયોગથી વીડિયો બનાવીને મૂકવાની ઘટનાઓ ચર્ચામાં રહી છે. આ મામલે અમુક પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા છે. આ બનાવોને કારણે પોલીસ વિભાગની છબિ ખરડાઈ નહીં અને કાયદા અને નિયમોના દાયરામાં રહીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે. ડીજીપી દ્વારા અપાયેલી સૂચનામાં તમામ પોલીસકર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા સૂચના કરવામાં આવી છે. ખાસ કરીને એક પોલીસ અધિકારી તરીકે શોભે નહીં અથવા પોલીસ વિભાગ જેવું શિસ્તબદ્ધ ખાતું લોકોની ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર ન કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત જણાવતા સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા ટકોર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર કોઈ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તન ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.