અમદાવાદ,તા.૩૧
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સાતમા દિવસે હાર્દિકની તબિયત લથડી હતી. હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરનારા સોલા સિવિલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું કે મેડિકલ ચેકઅપ કર્યું છે. અત્યારે ઓકિસજન અને બ્લડ સુગર બરાબર છે. અમારી સલાહ છે કે તેમણે ફ્રૂટ અને જયુસ લેવું જોઈએ તેઓ અમારી સલાહ માનતા નથી. અમે આજે બ્લડ અને યુરિન સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે સ્થિતિ કેવી છે જો કે હાલ સ્થિતિ નોર્મલ છે. ગઈકાલ કરતા આજે એટલે શુક્રવારે હાર્દિકના વજનમાં ૯૦૦ ગ્રામનો તફાવત આવ્યો છે. અમે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. અન્નની સાથે જળનો પણ ત્યાગ કરવાને લીધે હાર્દિકના શ્વાસ અને હૃદયના ધબકારામાં પણ ફેરફાર આવે છે. જો કે રિપોર્ટ અલગ આવવા મામલે ડોકટરે સ્પષ્ટતા કરી હતી કે બ્લડ અને સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવાયા હોય એટલે તેમાં ફેરફાર હોય તે શકય છે. જો કે હાર્દિકના વજનમાં અત્યાર સુધી ૬ કિલોનો ઘટાડો થયો છે.