માંગરોળ, તા.૮
માંગરોળ તાલુકાના વાંસોલી ગામેથી ટોરન્ટ વીજ કંપનીની ૪૦૦ કે.વી.ની. હાઈટેન્શન ટાવર લાઈન પસાર થાય છે.
આજે આ વીજ કંપનીના વાંસોલી ગામેથી પસાર થતી વીજ લાઈનમાંથી એક વાયર ટાવરના ઉપરના બ્રેકેટમાંથી અલગ થઈ નીચેના બ્રેકેટ પર પડતા જોરદાર ધડાકા સાથે અવાજ થયો હતો સાથે જ તણખાઓ પણ ઉડ્યા હતા. આ બનાવ જ્યારે બન્યો ત્યારે આ લાઈનની નીચે આવેલ ખેતરમાં ખેડૂતો અને મજૂરો શાકભાજી વળી રહ્યા હતા. એ તમામ જીવ લઈને ભાગી છૂટ્યા હતા. આ ધડાકાના પગલે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જો કે, કોઈ મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. પરંતુ ગ્રામજનોમાં આ બનાવને પગલે રોષ જોવા મળી રહ્યો હતો. ગ્રામજનોનો રોષ જોઈ ઘટનાસ્થળે આવેલા ટોરેન્ટ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની જીપ મૂકીને ફરાર થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ર૦૧૮ના સપ્ટેમ્બર માસમાં પણ આ જ સ્થળ ઉપર ટાવરની નીચે કરંટ ફેલાતા હિંમતભાઈ પટેલ નામના ખેડૂતને કરંટ લાગતા એમનું મોત નિપજ્યું હતું. આ સમયે ટોરન્ટ વીજ કંપનીના અધિકારીઓએ ડાહીડાહી વાતો કરી આખો મામલો સગેવગે કરી દીધો હતો અને મરનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવા જણાવ્યું હતું જો કે, આજદિન સુધી મરનાર ખેડૂતના પરિવારને એક પેની જેટલું પણ વળતર આપવામાં આવ્યું નથી. ત્યારે આજ સ્થળે આજે ફરી બ્રેેકેટમાંથી વાયર તૂટી નીચેના બ્રેકેટના વાયર ઉપર બનવાનો બનાવ બન્યો છે. ટોરન્ટ કંપનીના અધિકારી-કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચતા ગ્રામજનોનો રોષ જોઈ પોતાની જીપ મૂકી ફરાર થઈ ગયા હતા. આમ વારંવાર આ પ્રકારની મોટી દુર્ઘટના બની છે ત્યારે આ માટે જવાબદાર કોણ ? એવું ગ્રામજનો પૂછી રહ્યા છે.