(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૯
શહેરના ઝાપાબજાર મટન માર્કેટ નજીક ૮૦ વર્ષ જૂના મકાનના બીજા માળની ગેલેરીનો ભાગ ધડાકા સાથે તૂટી પડયો હતો. વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના બાદ આ વિસ્તારના લોકો ડરના મારે ઘર બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગ પણ દોડતો થઈ ગયો હતો. પાલિકા દ્વારા આ બાબતે તપાસ હાથ ધરાઈ છે. ફાયર વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર વહેલી સવારે મકાનની ગેલેરી તૂટવાનો કોલ મળ્યો હતો. ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ ૩ઃ૦૮ મિનિટની હતી. મકાનની ગેલેરી તૂટી પડી હોવાની જાણ બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનની બીજા માળની ગેલેરી તૂટી પડી હતી. ૮૦ વર્ષ જુના મકાનના માલિક મહમદ ઇબ્રાહિમ હોવાનું જાણવા મળ્યું હતું. આગળના ભાગે કોઈના રહેતું હોવાને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, મકાનના પાછળના ભાગે બે ભાડુઆત રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદ પાલિકા દ્વારા પણ તપાસ ચાલી રહી છે. મકાનના સ્ટક્ચરની તપાસ બાદ મકાન ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.