(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્નના ત્રણ વર્ષ પહેલા પુણા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ દરમિયાન એક પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં બીજી વાર પરિણીતા ગર્ભવતી થતા તેનું ચેકઅપ કરાવ્યું હતું. જેમાં પણ પુત્રી હોવાનું માલુમ પડતા તેને ગર્ભ પડાવી નાંખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિણીતાએ ગર્ભ પડવવાની જગ્યાએ બીજી પુત્રીને જન્મ આપતા તેના પતિએ તથા સાસરિયઓએ તેમને ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પરિણીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા એ.કે.રોડ પર મોદી મહોલ્લામાં રહેતા જિનેશભાઇ ચૌધરીની પુત્રી રિન્કુના લગ્ન પુણાગામ અભયગામમાં સુરતીનગરમાં રહેતા અમરનાથ ઝાના પુત્ર દિપકકુમાર સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ રિન્કુએ એક પુત્રીને જન્મ આપતા આખરે દિપક અને તેના પરિવારના સભ્યો પુત્રની માંગ સાથે તેણીને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર-નવાર દહેજની માંગણી કરતા રિન્કુના પિતાએ છેલ્લા માત્ર દોઢ વર્ષમાં છ લાખથી વધારે દહેજમાં આપ્યા હતા. જોકે, ત્યારબાદ રિન્કુ ફરીથી પ્રેગ્નેન્ટ થતા તેનો પતિ દિપક તથા સાસરિયાઓએ પુત્રની માંગ સાથે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ચેકઅપ કરાવતા ગર્ભમાં પુત્રી હોવાનું માલુમ પડતા તેણીને ગર્ભ પડાવી નાંખવા માટે દબાણ કર્યું હતું. જોકે, રિન્કુએ ગર્ભ નહિં પડાવતા પુત્રીને જન્મ આપ્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા પતિ અને સાસરિયાઓએ રિન્કુનો સ્વિકાર કરવાની ના પડી હતી. તેમ છતાં રીન્કુ બંને પુત્રી સાથે પતિના ઘરે જતા પતિએ તેણીને ધક્કા મારી માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી આખરે રિન્કુ પુણા પોલીસ મથકમાં પહોંચી પતિ દિપકકુમાર, સસરા અમરનાથ ઝા, સાસુ મન્નાબેન અમરનાથ ઝા તથા ગુંઝાબેન અમરનાથ ઝા અને આ વીપુલ ઝા સામે ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે તમામ સામે દહેજનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.