ભરૂચ, તા.રપ
ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા સામાન્ય જનજીવન ઉપર તેની વ્યાપક અસર વર્તાવા પામી હતી. નેત્રંગ તેમજ વાલિયા તાલુકામાં મેઘો મન મૂકી વરસતા ભારે ખાનાખરાબી સર્જાવા પામી હતી.
ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત આંકડાકીય વિગત અન્વયે સવારના ૬ વાગ્યાથી મધ્યાહન કાળે ર વાગ્યા સુધી ભરૂચ તાલુકામાં ૩૧ મી.મી., આમોદમાં ૩ મી.મી., અંકલેશ્વરમાં ૯૦ મી.મી., નેત્રંગના સૌથી વધુ ૧૮૧ મી.મી. વાલિયામા ૧૪૦ મી.મી. ઝઘડિયા ખાતે રપ મી.મી. જ્યારે વાગરા તાલુકામાં કોઈ વરસાદ નોંધાવા પામ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે નેત્રંગ, વાલિયા તેમજ ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઝઘડિયાથી રાજપારડી વચ્ચે ઠેર-ઠેર નાળાઓમાં પૂરજોશ પાણીના પ્રવાહને પગલે નાળા ધોવાઈ જતા તેમજ નવા માર્ગોમાં ચાલતી કામગીરીના પગલે રસ્તાઓ ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે. નેત્રંગમાં ૮ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ ખાબકતા મોટા ભાગના ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવા પામ્યા હતા. બીજી તરફ રાજપારડી નજીક નાળુ તૂટી પડતા એસ.ટી. બસ નાળામાં ફસાઈ જવા પામી હતી. બસમાં ૧૭ જેટલા મુસાફરો સવાર હોય રાજપારડી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જીવના જોખમે ૧૭ મુસાફરોને રેસ્ક્યુ ઓપરેશન કરી મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. ઉપરાંત અવિધા-રાજપારડી વચ્ચે પણ અન્ય એક એસ.ટી. બસ ફસાઈ જવા પામી હતી. જેમાં પણ મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ વરસાદની એન્ટ્રી સાથે ભરૂચ-અંકલેશ્વરમાં મહત્તમ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. ભરૂચના નેશનલ પાર્કમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતા એક બાળક ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે એક ટ્રેકટર પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા એક ઈસમનું મોત નિપજ્યું હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.