(એજન્સી)
નવી દિલ્હી, તા.૯
ભાજપના કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી વિરૂદ્ધ હિંદુવાદી સંગઠને વિરોધ શરૂ કર્યો છે. તેમનો વિરોધ એટલી હદે હિંસક બન્યો છે કે આગરામાં મંત્રીના પૂતળાને તલવારથી વિંઝીને તેમજ બાળીને તેમને પદભ્રષ્ટ કરવાની માંગ કરાઈ રહી છે.
હિન્દુત્વવાદી સંગઠન હિન્દુ હી આગેના આગરા મહાનગર અધ્યક્ષ ગોવિંદ પરાશરનું કહેવું છે કે, મુખ્તાર અબ્બાસ નકવીએ અયોધ્યાની જમીન ન રામની ન મંદિર ની કહી સમગ્ર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. પરાશરે કહ્યું કે જો રામ માટે દેશમાં જગ્યા નથી તો નકવી માટે નહીં હોય. અમારા સંગઠને આ જ તલવારથી તેમનું પૂતળું વિધ્યું છે. સમય આવવા પર ખરેખર નકવી સાથે પણ આવું જ કરીશું.
પરાશરે ભાજપને સંબોધતાં કહ્યું કે, ભાજપ સ્પષ્ટ કરે કે તે રામમંદિર બનાવશે કે નહીં. ભાજપને હિન્દુઓએ મત આપી જીતાડ્યું છે. કોઈ મુસ્લિમે વોટ નથી આપ્યો. એવામાં મુખ્તાર અબ્બાસ નકવી આવા નિવેદન આપનારા છે કોણ ? તેમણે સાથે ધમકી આપી કે જો નકવી માફી નહીં માગે તો તેમની વિરૂદ્ધ દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. જો ભાજપ તેમના પર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો ભાજપને ર૦૧૯માં પાઠ ભણાવવામાં આવશે.