(એજન્સી) નવી દિલ્હી, તા.૯
યુપીના મુઝફ્ફરનગરના ભાજપના સાંસદ સંજીવ બાલિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ધમકી આપી હિસાબ લેવાની વાત કરે છે.
વીડિયોમાં બાલિયાને તેમના ભાષણમાં કહેતા સંભળાય છે કે સંજીવ બાલિયાન અહીં જ છે અને અહીં જ રહેશે. એક એકનો હિસાબ થશે. હું ગાંધીવાદી નથી. ભગતસિંહવાદી છું. એક તમાચો પડશે તો બે તમાચાથી જવાબ અપાશે. આ વીડિયો વાયરલ થયા બાદ તેની આલોચના થઈ રહી છે. યુઝર્સ કહે છે કે સાંસદ અને વિધાયક પાસે જનતા હિસાબ માંગે તેના બદલે સાંસદ જનતા પાસે હિસાબ માંગી ધમકી આપે છે. શું આવી ધોળે દિવસે ધમકી ? સંજીવ બાલિયાન મુઝફ્ફરનગરથી ચૂંટણી લડે છે. તેમનો મુકાબલો લોકદળના અજીતસિંહ સામે છે. જેને સપા-બસપા કોંગ્રેસનું સમર્થન છે.