(એજન્સી) ઇરબિલ (ઇરાક), તા.૨૭
ઇરાકમાં કુર્દ લોકોએ બગદાદના દબાણની ઉપેક્ષા કરીને, તુર્કી અને ઇરાનની ધમકીઓ તેમજ આઝાદીની તરફેણમાં જનમત સંગ્રહ વધુ પ્રાદેશિક સંઘર્ષને ભડકાવશે એવી આંતરરાષ્ટ્રીય ચેતવણીની અવગણના કરીને ઉત્તર ઇરાકમાં આઝાદીની તરફેણમાં જનમત સંગ્રહમાં મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.
ઇરાકી કુર્દોએ વિવાદાસ્પદ સ્વતંત્રતા જનમત સંગ્રહ માટે યોજાયેલા મતદાનમાં મોટી સંખ્યામાં ભાગ લઇને પોતાના મત આપ્યા હતા. મતદાનનું પ્રથમ પરિણામ જનમત સંગ્રહ સમાપ્ત થયાના ૭૨ કલાકની અંદર આવશે. મતદારોને આ પ્રદેશને સ્વતંત્ર રાજ્ય બનાવવા માટે પૂછેલા સવાલનો જવાબ હા કે નામાં આપવાનો છે. સવાલને કુર્દીશ, અરબી, તૂર્કમેન અને અસિરીયનમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
ઉત્તર ઇરાકમાં અર્ધ સ્વાયત્ત પ્રદેશની વહીવટી કમાન સંભાળી રહેલ કુર્દિસ્તાન રિજિયોનલ ગવર્નમેન્ટે જણાવ્યું છે કે જનમત સંગ્રહ આપણને ઇરાકથી સ્વતંત્ર થવા માટે બહુમતી અપાવશે. મતદાન સમાપ્ત થયું તે પહેલા ૭૬ ટકા મતદારોએ મત આપ્યા હતા એવું કૂર્દીશ રુદો ટીવી સ્ટેશને જણાવ્યું હતું. આજથી એક સદી પૂર્વે ઓટોમાન સામ્રાજ્યનું પતન થયું ત્યારે સૌથી મોટા વંશીય જૂથ ઇરાકી કુર્દો રાષ્ટ્રીયતા અને નાગરિકતા વિહીન બની ગયા હતા. આ જનમત સંગ્રહ તેને મોકૂફ રાખવા માટે જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં ઐતિહાસિક તક પૂરી પાડે છે. ઇરબીલની પ્રાદેશિક રાજધાનીમાં મત આપવા માટે રાહ જોતા મતદાત તલાપે જણાવ્યું હતું કે અમોએ સૌથી ખરાબ સ્થિતિ જોઇ છે, અન્યાય અનુભવ્યો છે. હત્યાઓ અને નાકાબંધીનો અનુભવ થયો છે. ઇરાકે આ અગાઉ કુર્દિસ્તાન રિજિયોનલ ગવર્નમેન્ટ (કેઆરજી) દ્વારા કરવામાં આવેલી જનમત સંગ્રહની જાહેરાતને વખોડી કાઢી હતી. અહેવાલો અનુસાર ઇરાક અને તુર્કીમાં કુર્દીશ લઘુમતીઓની સંખ્યા ઘણી મોટી છે. તુર્કીના વિદેશ પ્રધાને એક નિવેદન જારી કરીને જનમત સંગ્રહને ગેરકાયદે, નિરર્થક અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. આમ વિવાદી સ્વતંત્રતા જનમત સંગ્રહ માટેના મતદાનમાં ઇરાકી કુર્દોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધમકીઓની નોંધ લીધી ન હતી.